વેસ્ટ સલ્ફ્યુરિક એસિડ ભરીને જઈ રહેલું ટેન્કર પલટ્યું : ચાલક દાઝ્‌યો

વડોદરા : મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલ અંકલેશ્વર ખાતે રહેતા મિરાજ અહેમદ સિરાજ અહેમદ ગુજ્જર છેલ્લા છ મહિનાથી અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ કૃષ્ણ રોડલાઇન કંપનીમાં ડ્રાઈવર તરીકે કામ કરે છે. ગત ૨૮મી તારીખે કંપનીના બોસ દ્વારા મિરાજ અહેમદને ટેન્કરમાં દહેજ ખાતેની એક કંપનીમાંથી વેસ્ટેજ સલ્ફ્યુરિક એસિડ ભરીને રાજસ્થાનની એક કંપની ખાતે પહોંચાડવાનું કહ્યું હતું. જે લઈને નીકળેલા મિરાજ અહેમદ ગઈકાલે મોડીરાત્રે નેશનલ હાઇવે નં.૪૮ પર વાઘોડિયા બ્રીજથી કપુરાઇ ચોકડી તરફ જઈ રહ્યા હતા. આ દરમ્યાન પાછળ ચાલી રહેલી એક લક્ઝરી બસના ચાલકે તેમના ટેન્કરને એકાએક ઓવરટેક મારીને બરાબર તેમના ટેન્કરની આગળ આવીને બ્રેક મારી દીધી હતી અને ત્યારબાદ પુરઝડપે ત્યાંથી ફરાર થઇ ગયો હતો. અચાનક આગળ લક્ઝરી બસ આવી જતા મિરાજ અહેમદે અકસ્માતથી બચવા માટે બ્રેક મારી દીધી હતી. જેના કારણે ટેન્કરનું સમતોલન ન જાળવી શકાતા ટેન્કર પલટી ખાઈ ગયું હતું. ટેન્કર પલટતા વેસ્ટેજ સલ્ફ્યુરિક એસિડનો જથ્થો રસ્તા પર ઢોળાઈ ગયો હતો. જેના કારણે પાછળ આવતા વાહનોએ પણ બ્રેક મારવાની શરુ કરી દીધી હતી. સલ્ફ્યુરિક એસિડના સંપર્કમાં આવવાને કારણે મિરાજ અહેમદ સામાન્ય રીતે દઝાઈ ગયા હતા. જેને કારણે તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રસ્તા પર ઢોળાયેલા વેસ્ટેજ સલ્ફ્યુરિક એસડીને કારણે હાઇવે પર વણસેલી પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી. ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા રસ્તા પર ઢોળાયેલ અને ટેન્કરમાં બચેલા જ્વલન એસિડને સહી સલામત લોકોના સંપર્કથી દૂર કરવામાં આવ્યું હતું.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution