કેરળના કન્નૂરમાં વલપટ્ટણમ નદીના કિનારે શ્રી મથુપ્પન મંદિર આવેલું છે, આ મંદિર જોવામાં જેટલું સુંદર લાગે છે એટલી જ અનોખી અહીની પરંપરાઓ જાણીતી છે. સ્થાનિય માન્યતા પ્રમાણે શ્રી મુથપ્પન દેવ અહીના લોકદેવતા છે અને તેઓ વૈદિક દેવ નથી માનવામાં આવતાં, પરંતુ કેટલાક લોકો તેમને ભગવાન વિષ્ણુ અને શિવજી સાથે પણ જોડે છે.

વલમપટ્ટણમ નદીના કિનારે આવેલ શ્શિનિક્કડવ શ્રી મુથપ્પન મંદિરના આરાધ્ય દેવતા શ્રી મુથપ્પન છે. સ્થાનિય માન્યતા છે કે તેઓ જ અહીંના ઈષ્ટદેવતા છે. તેમને ભગવાન વિષ્ણુ અને શિવના અવતાર માનવામાં આવે છે. કહેવાય છે કે તેમને હંમેશાં નબળા લોકોના હિતોનું રક્ષણ કર્યું હતું. અહીં આવનાર બધા લોકોને નિઃશુલ્ક ભોજન અને રહેવાની સગવડ આપવામાં આવે છે. દર્શન કર્યા પછી એક પડિયામાં ઉકાળેલાં આખા મગ (મહારાષ્ટ્રનું ઉસળ) અને સાથે જ ચા પણ આપવામાં આવે છે, જેને પ્રસાદમ કહેવામાં આવે છે. 

એક રોચક તથ્ય એ છે કે અહીં શ્વાનો(કૂતરાઓ)ને પવિત્ર માનવામાં આવે છે, કારણ કે તે ભગવાન મથુપ્પનનું વાહન છે. પથુપ્પન મંદિર ખાસ થીયમ માટે પ્રખ્યાત છે. થીયમ, કથકલી સાથે મળતું આવતું એક લોકનૃત્ય છે. તેના કલાકારો જુદા-જુદા પૌરાણિક પાત્રોની કથાને પ્રસ્તુત કરે છે.

આ જગ્યા કેરળના કન્નૂર જિલ્લાના તલિપ્પરમ્બાથી લગભગ 16 કિ.મી.ના અંતરે આવેલું છે. અહીંનું નજીકનું રેલવે સ્ટેશન કન્નૂર છે જે લગભગ 20 કિ.મી. દૂર છે. અહીં નજીકનું એરપોર્ટ કાલિકટ(કોષિક્કોડ) ઈન્ટરનેશનલ એયરપોર્ટ છે. જે લગભગ 136 કિ.મી. દૂર છે. અહીંથી મંદિર જવા માટે ટેક્સી અને બસો સરળતાથી મળી રહે છે.