વડોદરા, તા.૧૩

એમ.એસ. યુનિવર્સિટીની સેનેટની સૌથી પ્રતિષ્ઠાનો જંગ બનેલી અને સંકલન સમિતિના મનસુખ જેસાડિયા અને ડો. વિજય શાહે તમામ પ્રયાસો સાથે તાકાત લગાવી હોવા છતાં ડોનર્સ કેટેગરીની બે બેઠકો પર ટીમ એમએસયુના જિગર ઈનામદાર અને મયંક પટેલનો ત્રણ ગણા કરતાં વધુ મતોની સરસાઈથી ભવ્ય વિજય થતાં ડો. વિજય શાહ અને મનસુખ જેસાડિયાની જાેડીને વધુ એક વખત પછડાટ ખાવાનો વારો આવ્યો હતો.

એમ.એસ. યુનિ.ની સેનેટની અત્યાર સુધી યોજાયેલી ૩૪ બેઠકોની ચૂંટણીમાં ટીમ એમએસયુએ ૨૪ બેઠકો સાથે ભવ્ય વિજય મેળવ્યો હતો. જ્યારે ભાજપાપ્રેરિત સંકલન સમિતિનો કારમો પરાજય થયો હતો. આજે ડોનર્સ કેટેગરીમાં કેટલાક મતદારોની વૈધતાને લઈને ભાજપાપ્રેરિત સંકલન સમિતિના ઉમેદવારે નામદાર હાઈકોર્ટમાં અરજ કરી હતી. જાે કે, નામદાર હાઈકોર્ટે પણ આ સંદર્ભે કડક વલણ અપનાવતાં અરજી પાછી ખેંચવી પડી હતી. આમ, પ્રતિષ્ઠાનો જંગ બનેલી ડોનર્સ કેટેગરીની ચૂંટણીનું મતદાન બપોરે ૧ થી ૪ દરમિયાન યુનિ. હેડ ઓફિસ ખાતે યોજાયું હતું.

ડોનર્સ કેટેગરીમાં ૧૬૪ મતદારો પૈકી કોરોનાના કડક નિયમોના પાલન સાથે ૧૧૨ મતદારોએ મતદાન કર્યું હતું. આજે મતગણતરી હાથ ધરાતાં શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહે સંગઠનની તમામ તાકાત લગાડવા છતાં ટીમ એમએસયુના જિગર ઈનામદાર અને મયંક પટેલનો ભવ્ય વિજય થયો હતો. આ કેટેગરીમાં મયંક પટેલને ૯૦, જિગર ઈનામદારને ૮૮, જ્યારે ભાજપાપ્રેરિત સંકલન સમિતિના ઉમેદવાર વ્રજેશ પટેલને ર૯ અને પ્રતિક જાેશીને ૧૧ મત મળ્યા હતા. આમ, જિગર ઈનામદારને પછાડવા માટે કામે લાગેલી ડો. વિજય શાહ-મનસુખ જેસાડિયાની જાેડીને ફરી એક વખત પછડાટ ખાવાનો વારો આવ્યો હતો.


જિગરને પતાવવા મેદાનમાં ઉતરેલી ટોળકીએ ભાજપાની આબરૂ લીધી!

યુનિ.ની સેનેટની ચૂંટણીમાં જૂથબંધીથી ત્રસ્ત ભાજપામાં જ રાજકીય હિસાબો માટે ખેલ ખેલાયાની ચર્ચા હવે ભાજપાવર્તુળોમાં શરૂ થઈ છે. જિગર ઈનામદારને હરાવવા માટે શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહ અને મનસુખ જેસાડિયાની જાેડી મેદાનમાં પડી હતી. પરંતુ બીજી તરફ ભાજપા મોરચે ચાલતી ચર્ચા મુજબ જિગર ઈનામદાર અને હાલ પ્રદેશ ભાજપાના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા યુવા મોરચામાં સાથે કામ કરતા હતા, તે સમયના મતભેદોનો પડઘો યનિ.ની ચૂંટણીમાં પડયો હોવાનું કહેવાય છે. પ્રદેશ ભાજપામાં અલગ અલગ લૉબી કામ કરે છે તેમાં જિગર ઈનામદાર પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટની લૉબીનો પ્રસ્થાપિત થયો છે. ત્યારે ભાર્ગવ ભટ્ટના રાજકીય હિસાબોની પતાવટ કરવા પ્રદીપસિંહ વાઘેલાના ઈશારે ખેલ ખેલાયો હોવાનું કહેવાય છે. તો બીજી બાજુ પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ અને શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહને ફાવતું નથી જેથી ડો. વિજય શાહે યુનિ. ચૂંટણીના નામે પ્રદેશના અન્ય નેતૃત્વના નજરમાં આવીને નિશાન વિધાનસભાની ટિકિટ હોવાનું પણ હવે ચર્ચાઈ રહ્યું છે. સેનેટની ચૂંટણીમાં ભાજપામાં આંતરિક જે કાંઈ ખેલ ખેલાયો હોય તે પરંતુ આ તમામ ખેલમાં પ્રથમ વખત ભાજપાના નામ શૈક્ષણિક સંસ્થાની ચૂંટણી લડાઈ અને આ ચૂંટણીમાં કારમો પરાજય થતાં ભાજપાની આબરૂ ગઈ તેવું પણ ભાજપામાં જ હવે ચર્ચાઈ રહ્યું છે.

પ્રિન્સિપાલ અને ટીચર્સ કેટેગરીમાં પણ ટીમ એમએસયુનો વિજય

ડોનર્સ કેટેગરીની ચૂંટણી ાસથે આજે સેનેટની પ્રિન્સિપાલ અને ટીચર્સ કેટેગરીની ૧-૧ બેઠક માટે પણ ચૂંટણી યોજાઈ હતી. આ બંને કેટેગરીમાં પણ ભાજપાપ્રેરિત સંકલન સમિતિએ તેના ઉમેદવારોના નામો જાહેર કર્યા હતા. જાે કે, આ બંને કેટેગરીમાં પણ ભાજપાપ્રેરિત ઉમેદવારોનો પરાજય થયો હતો. પ્રિન્સિપાલ કેટેગરીમાં ૧૧૬ મતદારો પૈકી ૧૦૧ મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં ટીમ એમએસયુના ભાસ્કર પટેલને ૮૧ અને પરેશ શાહને ૧૯ મત મળ્યા હતા. જ્યારે ટીચર્સ કેટેગરીમાં ૯૪૨ પૈકી ૫૮૯ મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં ટીમ એમએસયુના કિરણ કુમાર પટેલને ૪૬૪, જ્યારે ભાજપાપ્રેરિત સંકલન સમિતિના અરવિંદકુમાર ગાંધીને ૭૭ અને અપક્ષ ઉમેદવાર દિગ્વિજયસિંહ રાઠોડને ૪૫ મત મળ્યા હતા.

મતદાનના ૪૮ કલાક પહેલાં ચૂંટણી રદ કરાવવાનો કારસો ખૂલ્લો પડયો

એમએસયુ સેનેટની ડોનર્સ અને પ્રિન્સિપાલ, ટીચર્સ કેટેગરીની ચૂંટણી રદ કરવા માટે મતદારોને વૈધતાનો મુદ્‌્‌ો લઈને ડેલિગેશન શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને મળવા માટે ગયું હતું. પરંતુ નામદાર હાઈકોર્ટનો ઓર્ડર સહિત મુદ્‌ે સરકારે પણ કોઈ પ્રતિસાદ નહીં આપતાં મતદાનના ૪૮ કલાક પહેલાં ચંૂટણી રદ કરવાનો કારસો પણ ખૂલ્લો પડયાનું હવે ભાજપા મોરચે ચર્ચાઈ રહ્યું છે.

સામ-દામ-દંડની શહેર ભાજપા પ્રમુખની નીતિ છતાં ફાવટ ના આવી

યુનિ. સેનેટની અગાઉ યોજાયેલી ચૂંટણીમાં સમગ્ર શહેર ભાજપા સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને કામે લગાડવા છતાં ભાજપાપ્રેરિત સંકલન સમિતિના ઉમેદાવારોનો કારમો પરાજય થયો હતો. ત્યારે આજે સેનેટની બાકી રહેલી છેલ્લી ચાર બેઠકો માટે યોજાયેલ ચૂંટણીમાં સામ-દામ-દંડની નીતિ અને પ્રિન્સિપાલ અને ટીચર્સ કેટેગરીમાં મતદારોને શહેર ભાજપા પ્રમુખે ફોન કરીને દબાણ કરવા છતાં ફાવટ આવી ન હતી અને ફરી પછડાટ ખાવી પડી હતી.

ટીમ એમએસયુની એકતરફી જીત

આજે યોજાયેલી સેનેટની ડોનર્સ કેટેગરીની ૧-૧ એમ ૪ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં પણ ચારેય બેઠકો પર ટીમ એમએસયુના ઉમેદવારોને ભાજપાપ્રેરિત સંકલન સમિતિના ઉમેદવારો કરતાં ડોનર્સ કેટેગરીમાં ૩ થી ૪ ગણી મતોની સરસાઈ, ટીચર્સ કેટેગરીમાં પાંચથી છ ગણા મતોની સરસાઈ અને પ્રિન્સિપાલ કેટેગરીમાં ૪ ગણી સરસાઈથી જીત થતાં ટીમ એમએસયુની એકતરફી જીત થઈ હતી.