તાલિબાની સરકારમાં વધ્યો 'આતંક', લોકોએ કહ્યું- લૂંટફાટ અને બંદૂકની અણી પર થાય છે અપહરણ
28, ઓક્ટોબર 2021

 અફઘાનિસ્તાન-

છેલ્લા કેટલાક સપ્તાહમાં અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ અને અન્ય મોટા શહેરોમાં લૂંટની ઘટનાઓમાં વધારો થયો છે. કાબુલના ઘણા રહેવાસીઓએ ફરિયાદ કરી છે કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં રાજધાની શહેર અને અન્ય પ્રાંતોમાં સશસ્ત્ર લૂંટના કેસમાં વધારો થયો છે. રહેવાસીઓએ જણાવ્યું હતું કે ઇસ્લામિક અમીરાતના શાસન દરમિયાન સશસ્ત્ર લૂંટમાં ઘટાડો થવાની ધારણા હતી, પરંતુ હજુ પણ સમગ્ર દેશમાં ગુનાઓ થઈ રહ્યા છે. અફઘાનિસ્તાનની રાજધાની સહિત ઘણા વિસ્તારોમાં ડાકુ હથિયારો સાથે ફરતા જોવા મળ્યા છે. કાબુલના રહેવાસી શુજા કહે છે કે તેમની અપેક્ષાઓથી વિપરીત, દુર્ભાગ્યવશ, લૂંટ અને અપહરણના કિસ્સાઓ હજુ પણ સામે આવી રહ્યા છે અને તેમને રોકવામાં આવ્યા નથી. તે જ સમયે, મોહમ્મદ યુનુસ કહે છે કે તાલિબાનના કબજા સાથે, અમને અપેક્ષા હતી કે લૂંટ ઓછી થશે, પરંતુ કેસ હજુ પણ થઈ રહ્યા છે.

લૂંટ અને અપહરણના કેસમાં 100થી વધુ લોકોની ધરપકડ

રહેવાસીઓએ ઇસ્લામિક અમીરાતના અધિકારીઓને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે ઉભા રહેવા હાકલ કરી છે. દરમિયાન, ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે છેલ્લા બે અઠવાડિયામાં લૂંટ અને અપહરણ સહિતના વિવિધ ગુનાઓના આરોપસર 100 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તા સૈયદ ખોસ્તીને ટોલો ન્યૂઝ દ્વારા ટાંકવામાં આવ્યું હતું કે, “છેલ્લા 15 દિવસમાં જ 100 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

અફઘાનિસ્તાન ભૂખમરાનો સામનો કરી રહ્યું છે

અફઘાનિસ્તાન પણ ભૂખમરાના સંકટનો સામનો કરી રહ્યું છે. અહીં સ્થિતિ એવી છે કે લોકો હવે ખોરાક ખરીદવા માટે પણ તેમની મિલકત અને પશુઓ વેચીને જીવન જીવી રહ્યા છે. હવે સ્થિતિ કફોડી બની છે, અહીં વાલીઓ પેટ ભરવા માટે સંતાનોને વેચવા મજબૂર છે. સ્થિતિ એ છે કે ભૂખથી પીડાતા લોકો લગ્ન માટે 3-4 વર્ષની છોકરીઓથી લઈને આઠથી દસ વર્ષની છોકરીઓને વેચી રહ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution