મુંબઇ

18 વર્ષ પહેલાં વિવેક આનંદ ઓબેરોયે કેન્સર પેશન્ટ એન્ડ ઍસોસિયેશન (CPAA) સાથે મળીને કેન્સરના દર્દીઓ માટે કામ કરવાની શરૂઆત કરી હતી. ત્યારથી લઈ અત્યાર સુધી વિવેક ગામડાંમાં રહેતાં ખેડૂત પરિવારના 2.5 લાખથી વધુ કેન્સરગ્રસ્ત બાળકોની સેવા કરે છે. હવે, એક્ટરે એજ્યુકેશનલ કેમ્પેન લૉન્ચ કર્યું છે. આ કેમ્પેન હેઠળ બાળકોને 16 કરોડ રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવશે. આનો ફાયદો ખેડૂત પરિવારના બાળકોને થશે. આ સ્કૉલરશિપ એવા બાળકોને મળશે, જે JEE-NEET પાસ કરવાનું સપનું જુએ છે.

i30 ટ્રેનિંગ પ્રોગ્રામ હેઠળ સ્કોલરશિપ લૉન્ચ કરવામાં આવી

વિવેકે સ્કૉલરશિપ અંગે કહ્યું હતું, ‘ગામના દરેક બાળક કંઈક મોટું કરે છે તો માત્ર તેનો જ પરિવાર નહીં, પરંતુ આખું ગામ આગળ વધે છે. આપણી પાસે અનેક પ્રતિભાશાળી બાળકો છે. જોકે, તેઓ ઉચ્ચ શિક્ષણ તથા કોચિંગનો ખર્ચ ઉઠાવી શકે તેમ હોતા નથી. ઘણીવાર આર્થિક મુશ્કેલીને કારણે તેઓ પોતાની મનપસંદ કોલેજમાં પણ જઈ શકતા નથી.’

વિવેકે આગળ કહ્યું હતું, ‘હું નથી ઈચ્છતો કે આટલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને માત્ર પોતાની જગ્યા (જ્યાંથી તેઓ આવે છે)ને કારણે અવગણવામાં આવે. મારી ટીમ તથા મેં તેમના સપનાઓને સાર્થક કરવા માટે આ પહેલ કરી છે. આ બાળકો બહાર જઈને પોતાની કરિયર બનાવી શકે.’ સ્કૉલરશિપ પ્રોગ્રામ i30 (ગણિત શાસ્ત્રી આનંદ કુમારના સુપર 30 પ્રોગ્રામનું ડિજિટલીકરણ) ટ્રેનિંગ પ્રોગ્રામ હેઠળ લૉન્ચ કરવામાં આવ્યો છે.

શું છે i30 પ્રોગ્રામ?

i30 પ્રોગ્રામ ગ્રામીણ ભારતના બાળકોને ભણાવવા માટે હાઈ ક્વોલિટી તથા પ્રોગ્રેસિવ મોડ્યૂલ્સનો ઉપયોગ કરે છે. આ હેઠળ નાના નાના શહેરોમાં 90 વર્ચ્યુઅલ લર્નિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે, જેથી IIT તથા મેડિકલ ફિલ્ડ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ ક્લાસ-રૂમ સુધી પહોંચી શકે અને અફોર્ડેબલ કિંમતમાં JEE-NEETનો અભ્યાસ કરી શકે.