લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, એપ્રીલ 2026 |
1881
અશાંતધારા વિસ્તારમાં વિધર્મીઓને મિલકત તબદિલીની પરવાનગી આપવામાં આચરવામાં આવેલાં ભ્રષ્ટાચારનો પડઘો ભાજપનાં જ ધારાસભ્ય અરવિંદ રાણાએ વિધાનસભામાં પાડ્યો હતો હવે મહાનગર પાલિકાની ચૂંટણીમાં આ મુદ્દો ગોરાટ વિસ્તારનાં લોકો ભાજપને ભારે પાડે તેવી સંભાવના દેખાઇ રહી છે. ગોરાટ વિસ્તારનાં લોકોએ ભાજપ નેતાગીરી પાસે ટિકિટ માગી હતી પરંતુ તેમની અવગણના કરવામાં આવતાં ગોરાટ મંદિરનાં ખજાનચી તરૂણ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી જે પાછી ખેંચી લેવા માટે ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ભારે દબાણ કર્યું હતું પરંતુ તેમનું દબાણ કામ લાગ્યું ન હતું. આજે ઉમેદવારી પત્ર પાછુ ખેંચવાનાં અંતિમ દિવસે તરૂણ પટેલે ઉમેદવારી જારી રાખતાં વોર્ડ નંબર-૧૧ અડાજણ-ગોરાટમાં ભાજપની પેનલ તૂટવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે.
ગોરાટ વિસ્તારમાં હનુમાન મંદિર સામે જ વિધર્મીઓનું સાત બિલ્ડિંગનું મોટુ કોમ્પ્લેક્સ તૈયાર થઇ રહ્યું છે. અશાંતધારા કાયદા અંતર્ગત મિલકત તબદિલીની અરજી કલેક્ટર કચેરીને મળી ત્યારે ગોરાટ વિસ્તારની સંખ્યાબંધ સોસાયટીઓનાં રહિશો, ગોરાટ હનુમાન મંદિરનાં ટ્રસ્ટીઓએ લેખિત અને મૌખિક વિરોધ નોંધાવ્યો હતો. લોકોનાં વિરોધ છતાં પોલીસ તેમજ કલેક્ટર કચેરીનાં અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચરીને મિલકત તબદિલીને મંજૂરી આપી દીધી હતી. તે સમયે સ્થાનિક હિન્દુ લોકોએ ધારાસભ્ય પૂર્ણેશ મોદી સમક્ષ પણ રજૂઆતો કરી હતી પરંતુ તેમણે લોકોની રજૂઆતોનો ઉચ્ચ સ્તરે પડઘો પાડ્યો ન હતો.
મહાનગર પાલિકાની ચૂંટણીમાં પણ ગોરાટ વિસ્તારનાં લોકોએ ટિકિટ માગી હતી પરંતુ પૂર્ણેશ મોદીની જીદ્દ સામે ભાજપ મોવડી મંડળ ઝૂકી ગયું અને ગોરાટ વિસ્તારનાં એક પણ વ્યક્તિને ટિકિટ આપી ન હતી અને વોર્ડનાં રહિશ નથી તેવા આયાતી ઉમેદવાર પરિમલ ચાસિયાને પૂર્ણેશ મોદીનાં દબાણથી ટિકિટ આપી હતી. ભાજપ મોવડીમંડળનાં ર્નિણય સામે ગોરાટ હનુમાન મંદિરનાં ખજાનચી તરૂણ અશ્વિન પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ગોરાટ વિસ્તારનાં લોકોએ જણાવ્યું હતું કે, આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનાં અંતિમ દિવસે ફોર્મ પાછુ ખેંચી લેવા માટે તરૂણ પટેલ ઉપર ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ખુબ દબાણ કર્યું હતું પરંતુ તરૂણ પટેલ મક્કમ રહ્યાં હતાં. ગોરાટ વિસ્તારમાં ૪૦થી ૫૦ હજારથી વધુ હિન્દુ વસતી છે અને ગોરાટ મંદિરની આસપાસ જ હજારો લોકો રહે છે જેથી ચૂંટણીમાં ભાજપને ભારે પડી જશે. ભાજપનાં કાર્યકરો આવશે તો પણ તેમનો બહિષ્કાર કરવામાં આવશે તેમ આ વિસ્તારનાં રહિશ આસિત ગાંધીએ જણાવ્યું હતું.