વડોદરા, તા. ૨૬

શહેરના સમા વિસ્તારમાં ગત રાત્રે રસ્તે રખડતા ઢોરોને પકડવાની કામગીરી કરી રહેલા કોર્પોરેશનના ઢોરપાર્ટીએ એક ગાયને પકડી હતી. આ દરમિયાન ગાયના માલિકે ત્યાં દોડી આવી ઢોરપાર્ટીના કર્મચારીઓ સાથે બોલાચાલી કરી હતી અને તેના ત્રણ સાગરીતો સાથે મળીને ગાયને છોડાવીને ભગાડી મૂક્યા બાદ ઢોરપાર્ટીના કર્મચારીઓ અને સરકારી વાહન પર પથ્થરમારો કરી વાહનની તોડફોડ કરી હતી. આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા ત્રણ કર્મચારીઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવની સમા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ચાર હુમલાખોરો પૈકીના એકને આજે બપોરે ઝડપી પાડ્યો હતો.

કોર્પોરેશનના ઢોરપાર્ટીના ઈન્સ્પેક્ટર સિમોનભાઈ ખ્રિસ્તી ગત રાત્રે ઢોર પાર્ટીના સુપરવાઈઝર આશિકભાઈ શબ્બીરભાઈ તેમજ ઢોર પાર્ટીના સિક્યુરિટી સ્ટાફના રૂપેશ જીતેન્દ્ર ખેડકર અને માનવ ગણેશભાઈ લોખંડે અને પોલીસ સાથે પોલીસ ભવનથી બે ટાટા યોધ્ધા ગાડી અને ઢોર મુકવાના એક ટ્રેક્ટર સહિતના વાહનો લઈને રસ્તે રખડતાં ઢોર પકડવાની કામગીરી માટે નીકળ્યાં હતા. તેઓએ રાત્રે પોણા અગિયાર વાગ્યાના અરસામાં સમા વિસ્તારમાં સુહાસ ચારરસ્તા પાસે એક ગાયને પકડી હતી. આ દરમિયાન ત્યાં હાજર ગાયનો માલિક રોહિત રણછોડ ભરવાડ(ખોડિયારનગર, સમા)એ ઉશ્કેરાઈને ઢોરપાર્ટી અને પોલીસ સાથે ઝઘડો કરીને જાણ કર્યા વિના કેમ ગાય પકડો છો? તેમ કહી ઝપાઝપી કરીને ગાયને છોડાવી દીધી હતી. ત્યારબાદ તેને ફોન કરતા ખોડિયારનગરમાં રહેતા વિપુલ રાઠવા, ભાવેશ કરમશી રબારી અને લાલો બોળિયા સહિત સાતથી આઠ પશુમાલિકો ત્યાં દોડી આવ્યા હતા અને ટોળાએ ઢોરપાર્ટીના સ્ટાફને અપશબ્દો બોલી ઝપાઝપી કરી હતી અને વિપુલ રાઠવાએ સરકારી ટાટા યોધ્ધા પર રસ્તા પર પડેલો બ્લોક મારીને આગળના કાચ તોડી નાખ્યો હતો જયારે પુશમાલિકનો ટોળાએ ઢોરપાર્ટી પર પથ્થરમારો કર્યો હતો.

આ બનાવના પગલે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા અને પથ્થરમારામાં ઢોરપાર્ટીના રૂપેશ ખેડકર, આશિક શેખ અને માનવ લોંખેડને ઈજાઓ પહોંચતા તમામને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની સિમોનભાઈની ફરિયાદના પગલે સમા પોલીસે રોહિત ભરવાડ સહિત ઓળખાયેલા ચાર હુમલાખોર પશુમાલિકો સામે ગુનો નોંધી તે પૈકીના ભાવેશ રબારીને આજે બપોરે ઝડપી પાડ્યો હતો.