નવી દિલ્હી-

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021 ની 29 મેચ રમાઇ ચુકી છે અને બાકીની મેચ હવે મુંબઇ ખસેડવામાં આવી શકે તેવા અહેવાલ મળી રહ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે. ટૂર્નામેન્ટની 30 મી મેચ સોમવાર, 3 મે નાં રોજ અમદાવાદમાં કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) વચ્ચે રમાવાની હતી, જેને મુલતવી રાખવી પડી હતી. મેચને મુલતવી રાખવાનો નિર્ણય કેકેઆરનાં વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયરનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ મળ્યા બાદ લેવામાં આવ્યો હતો.

દેશમાં જ્યા એક તરફ કોરોનાથી હાહાકાર મચ્યો છે. ત્યારે આવી સ્થિતિમાં પણ આઈપીએલની ટૂર્નામેન્ટ રમાઇ રહી છે. જો કે સોમવારે સામે આવ્યુ કે, આઇપીબી 2021 બાયો બબલમાં કોરોનાની એન્ટ્રી થઇ ગઇ છે. હવે આ લીગને વચ્ચેથી બંધ કરવાની વાતો જોરસોરથી ચાલી રહી છે. જો કે, બીસીસીઆઈ તેની ટી-20 લીગની 14 મી સીઝન માટે કઇંક અલગ વિચારી રહી હોય તેવા અહેવાલ મળી રહ્યા છે. તે આ સ્થિતિમાં પણ લીગને સંપૂર્ણ સફળ બનાવવા માંગે છે. તેથી, તેમણે એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. 

દેશમાં સ્થિતિ નાજૂક બની છે, ત્યારે આઈપીએલની બાકીની મેચો કરાવવી હવે એક મોટો પડકાર બન્યો છે. ત્યારે સુત્રો કહી રહ્યા છે કે, મુંબઈનાં ત્રણ સ્ટેડિયમો, વાનખેડે, ડીવાઈ પાટિલ અને બ્રેબોર્ન ખાતે આગામી મેચો રમાઇ શકે છે. હજુ સુધી આ અંગે બીસીસીઆઈ તરફથી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. વાનખેડે સ્ટેડિયમ ખાતે આ આઇપીએલ સીઝનની 10 મેચ થઈ છે, જ્યારે મુંબઈ ક્રિકેટ એસોસિએશનનાં બાકીનાં મેદાનનો ઉપયોગ બાકીની ટીમો દ્વારા ટ્રેનિંગ અને પ્રેક્ટિસ સેશન માટે કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે સોમવારે બીસીસીઆઈએ મુંબઈની વિવિધ હોટલોમાં વાત કરી હતી કે શું તેઓ ફ્રેન્ચાઇઝ ટીમો માટે બાયો બબલ બનાવી શકે છે. આઈપીએલ માટે આ વખતે છ આઈપીયુની પસંદગી કરવામાં આવી હતી, જેમાં અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી, કોલકાતા અને મુંબઇનો સમાવેશ કરવામાં આવ્યો હતો.