વડોદરા, તા.૧૧

ગુજરાત સરકારે શ્રમિકો માટે અન્નપૂર્ણા યોજના શરૂ કરી હતી, પરંંતુ છેલ્લા કેટલાક મહિનાથી કોરોનાના બહાના હેઠળ બંધ કરી દેવામાં આવી હતી. તાજેતરમાં પૂર્વ શ્રમ રોજગારમંત્રીએ પણ અન્નપૂર્ણા યોજના ફરી શરૂ કરાશે તેવી જાહેરાત કરી હતી, તેમ છતાં આજદિન સુધી તે શરૂ નહીં કરાતાં સમા વિસ્તારના સામાજિક કાર્યકરે આજે અન્નપૂર્ણા યોજના શરૂ કરવાની માગણી સાથે અન્નપૂર્ણા યોજનાના કેબિન પાસે બેસીને ભીખ માગી અનોખી રીતે વિરોધ કર્યો હતો અને તેમાં આવેલા રૂા.૩૦૦ મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવ્યા હતા.જાે કે થોડા સમય પહેલા કોરોના મહામારીના કારણેે આ અન્નપૂર્ણા યોજના બંધ કરી દેવામાં આવી હતી, તે આજદિન સુધી શરૂ કરવામાં આવી નથી. આ અંગે સામાજિક કાર્યકર ચિરાગ કડિયાએ સમા વિસ્તારમાં અન્નપૂર્ણા યોજનાની બંધ કેબિનની બહાર બેસીને સવારથી બપોર સુધી ભીખ માગી હતી, જેમાં લોકો તરફથી મળેલી ભીખના નાણાં ૩૦૦ રૂપિયા જિલ્લા કલેકટર કચેરી ખાતે મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવ્યા હતા.