પીકઅપ ગાડીની ટક્કરે બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું

વડોદરા

ડભોઇ સાઠોદ પાસે ચાંદોદ જવાના ત્રિભેટે ત્રણ વાહનોનો અકસ્માત સર્જાયો હતો. જેમાં ગફલતભરી રીતે બેફામ હંકારીને આવતી બોલેરો પીકપ ગાડીની ટક્કરથી એક મોટરસાઇકલ ચાલકનું ધટનાસ્થળ ઉપર જ કમકમાટીભર્યું મોત થયું હતું અને મોટરસાયકલની પાછળ બેઠેલ અન્ય એક યુવાનને ગંભીર ઈજા થઈ હતી. તેમજ અન્ય એક ઇકો મારૂતિ ગાડી ને ટક્કર વાગતા તેને પણ ગંભીર પ્રકારનું નુકસાન થયું હતું અને તે ગાડી રસ્તાની બાજુમાં આવેલ ખાડામાં ઉતરી ગઈ હતી. ફરિયાદી મોહસીનખાન ફારુકખાન બલૂચી રહે.સીંધીવાડ, લાલ ટાવર પાસે, રાજપીપળાએ ડભોઇ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવેલી હકીકત મુજબ સાંજે ચાર વાગ્યાના અરસામાં તેઓ વડોદરા ખાતેથી પોતાના કુટુંબીજનની દવાખાનામાં સારવાર કરાવી પોતાના પરિવારજનો સાથે ઈકો ગાડી જી.જે.૦૬ એફ.સી-૬૩૨૧ માં પરત રાજપીપળા જઈ રહ્યા હતા ત્યારે સાઠોદ પાસે ચાંદોદ જવાના ત્રિભેટે શિનોર થી ડભોઇ તરફ પૂર ઝડપે ગફલતભરી રીતે હંકારી આવતી મહિન્દ્ર પીકઅપ ગાડી નં જી.જે.૧૨ એ.વાય-૭૦૪૩ના ચાલકે પોતાની ગાડી ઉપરનો કાબૂ ગુમાવી ઇકો ગાડીને જમણી તરફ પાછળના ભાગે ટક્કર મારતા ઈકો ગાડી રોડની બાજુમાં આવેલા ખાડામાં ઊતરી ગઈ હતી અને તેની સાથે ઈકો ગાડીની પાછળની બાજુ આવતી એક હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ નં જી.જે.૦૩ ડી.એસ.-૭૮૬૫ ને પણ આ પીકઅપ ગાડીએ ટક્કર મારી હતી. જેના પરિણામે અકસ્માત થતાં મોટરસાયકલ ચાલક જીગ્નેશ ભીલ ઉ.વષૅ.૧૮ હાલ.રહે પીસાઈ, તા.ડભોઈ, જી.વડોદરા. મૂળ રહે. કેવડી, તા.નસવાડી જી.છોટાઉદેપુર રોડ ઉપર પડેલ જેથી તેમણે ગંભીર ઇજાઓ થઇ હતી જેના કારણે આ યુવાનનું સ્થળ પર જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. જ્યારે મોટરસાયકલની પાછળ બેઠેલ યુવાન હર્ષિલભાઈ ડુંગરાભીલ ઉ.૧૪ રહે.કેવડી,તા.નસવાડી, જી.છોટાઉદેપુર ને પગના ભાગમાં ગંભીર ઇજાઓ થયેલ હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution