દિલ્હી-

કોરોના મહામારીના લીધે લોકોની આવક ઘટી રહી છે તો બીજી બાજુ ટામેટા - ડુંગળી બાદ હવે બટાકાના પણ ભાવ વધતા ગૃહિણીઓનું રસોડાનું બજેટ ખોરવાઇ ગયુ છે. મે મહિના બાદથી અત્યાર સુધીમાં બટાકાના ભાવમાં 62 ટકાનો ઉછાળો આવ્યો છે, કારણ કે મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં પાક ઘટ્યો છે અને કોવિડ -19 મહામારી દરમિયાન માંગ વધી છે. દેશના સૌથી મોટા બટાટા ઉત્પાદક ઉત્તર પ્રદેશના વેપારીઓએ જણાવ્યું હતું કે, આગામી વર્ષે માર્ચ સુધી ભાવ એકંદરે મક્કમ રહેશે.મહામારી દરમિયાન તે ભારતીય રસોડાની મુખ્ય શાકભાજી રહી, કારણ કે અન્ય શાકભાજી કરતાં આ કંદ લાંબા સમય સુધી સંગ્રહિત થઈ શકે છે. 

બીજા ક્રમના સૌથી મોટા ઉત્પાદક પશ્ચિમ બંગાળમાં, જથ્થાબંધ બજારમાં મે મહિનામાં બટાકાનો ભાવ પ્રતિ કિગ્રા રૂ. 16-18 હતો જે હાલ 26-28 રૂપિયા સુધી પહોંચી ગયા છે. રાજ્યમાં છૂટક બજારમાં હાલ પ્રતિ કિલો રૂ. 32થી 35ના ભાવે વેચાઇ રહી છે. ઉત્તરપ્રદેશમાં પણ બટાકાના ભાવમાં આવી જ સ્થિતિ છે. 'આ વર્ષે પાછલા વર્ષ કરતા બટાકાના પાકમાં 20 ટકાનો ઘટાડો થયો છે. તેથી, સપ્લાય તંગ છે, ' એવું ઉત્તર પ્રદેશના કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના પ્રમુખ અરવિંદ અગ્રવાલે જણાવ્યું હતું. "લોકડાઉનને કારણે તમામ રાજ્યોમાં માંગ વધી છે."