ગાંધીનગર-

ગુજરાત વિધાનસભામાં દર 20 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોવાના કારણે બજેટની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે કોર્પોરેશન, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના મતદાન અને પરિણામ બાદ ગુજરાત વિધાનસભામાં વર્ષ 2021-22 વર્ષનું બજેટ રજૂ કરવામાં આવશે. આ સાથે જ મળતી માહિતી મુજબ 1 માર્ચે વિધાનસભાનું સત્ર મળશે તો રાજ્ય સરકાર ચૂંટણી આયોગમાં જઈને વિધાનસભાની અંદર બજેટ રજૂ કરવાની ખાસ પરવાનગી લઈને બજેટ રજૂ કરે તેવી શક્યતાઓ છે. મળતી માહિતી મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાતમાં થઇ રહી છે અને ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. જેને ધ્યાનમાં લઈને ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની તારીખ જાહેર કરવામાં આવી છે. એક તારીખની આસપાસ બજેટ સત્રની શરૂઆત થઇ શકશે, જ્યારે 5 તારીખની આસપાસ ગુજરાત વિધાનસભામાં બજેટ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ રજૂ કરે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. આમ આ વર્ષે બજેટ મોડુ રજૂ કરવામાં આવશે. સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગૃહમાં સંબોધન કરશે અને ત્યારબાદ રાજ્યના 2 પૂર્વ મુખ્યપ્રધાન સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ અને માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ ત્રણ દિવસ સુધી ચર્ચા ચાલશે અને અંદાજે 5 માર્ચના રોજ બજેટ રજૂ કરવામાં આવશે. આ સાથે જ અંદાજપત્રની સામાન્ય ચર્ચા 5 દિવસ સુધી ચાલશે અને અંદાજપત્રની માંગણીઓ ઉપર 12 દિવસ ચર્ચા માટે ફાળવવામાં આવશે. ઉલ્લેખની છે કે, આ સત્ર 24 દિવસનું રહે તેવી સંભાવના છે.