અમદાવાદ, આશ્રમ રોડ પર જૂની હાઇકોર્ટ પાસે આવેલી રૂચિ નિર્માણ પ્રાઇવેટ લિમિટેડના બિલ્ડર ભાવેશ જાની અને તેના આસિસ્ટન્ટ ડિરેક્ટરે સાથે મળીને ઓએનજીસીના નિવૃત્ત કર્મચારીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. બિલ્ડર ભાવેશ જાનીએ વૃદ્ધોને બાવળા-બગોદરા હાઇવે પર પ્લોટની સ્કીમ બતાવી લાખો રૂપિયા પડાવી લીધા હતા. જ્યારે વૃદ્ધોએ તેમને બાંધકામ અંગે પૂછતાં ગલ્લાતલ્લા કર્યા હતા. જેથી સ્કીમ અંગે તપાસ કરતા આવી કોઈ સ્કીમ ત્યાં બનાવવામાં જ આવી ન હતી. જમીન અન્ય કોઈના નામે હોવાનું બહાર આવતા ઓએનજીસીના નિવૃત્ત કર્મચારીઓએ ક્રાઈમ બ્રાન્ચમાં આ મામલે ફરિયાદ નોંધાવતા બિલ્ડર ભાવેશ જાની અને પાર્ટનર નાનજી બારીયા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ડીકેબિન ખાતે આવેલી તેજેન્દ્રનગર સોસાયટીમાં રહેતા સોહનલાલ સુથાર ઓએનજીસીમાંથી નિવૃત્ત થયા છે. ઓએનજીસી કોલોની ખાતે આવેલા મેડિકલ સ્ટોર ખાતે ઇન્કમટેક્સ પાસે આવેલી રુચિ નિર્માણ પ્રાઇવેટ લિમિટેડના બિલ્ડર ભાવેશ જાની સાથે તેમનો સંપર્ક થયો હતો. ભાવેશ જાનીએ સોહનલાલને બાવળા બગોદરા હાઇવે પર સિક્સલેન પાસે પ્લોટની રહેણાંક મકાનની સ્કીમ મૂકી હોવાનું કહ્યું હતું અને ૨૦૦ ચોરસ ફૂટ પ્લોટના એક સાથે રૂપિયા આપે તો રૂ. ૩.૭૦ લાખ કહ્યા હતા. ઉપરાંત અન્ય આઠથી ૧૦ નિવૃત્ત કર્મચારીઓએ પણ સ્કીમમાં રોકાણ કર્યું હતું. તમામ પૈસા ચૂકવી આપ્યા હતા. આ બાબતે બિલ્ડર ભાવેશ જાનીનો ઇન્કમટેક્સ ખાતે આવેલી રુચિ હાઉસ ખાતે ઓફિસનો સંપર્ક કરતા કોઈ જવાબ આપ્યો ન હતો. વૃદ્ધોએ બિલ્ડર ભાવેશ જાનીના ત્યાં ધક્કા ખાધા હોવા છતાં કોઈ જવાબ આપ્યો ન હતો. વૃદ્ધોના પૈસાથી ભાવેશ જાનીએ ચાંગોદર કેડીલા કંપની પાસે ગ્રીન પ્લાઝા કોમ્પલેક્ષ ઉભું કરી દીધું હતું, એટલું જ નહીં દહેગામ પાસે ૨૦ વીઘા જમીન પણ ખરીદી લીધી હતી. કુલ ૩૧.૪૩ લાખની છેતરપીંડી કરી અન્ય રોકાણકારોના પૈસા પણ પડાવી લીધા હતા. જેથી વૃદ્ધોએ ક્રાઈમ બ્રાન્ચમાં એપ્રિલ ૨૦૨૦માં અરજી કરી હતી. તેના આઠ મહિના બાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.