22, માર્ચ 2023
વડોદરા, તા.૨૧
વ્યવસાય સાથે સંકળાયેલા શહેરના બિલ્ડરે વ્યાજ ખોરોના ચક્રવ્યૂહમાં ફસાયા બાદ વ્યાજખોરોના ત્રાસથી બિલ્ડરે તેમની ઓફીસમાં અંદાજે ૩૦ જેટલી ઊંઘની સામટી ગોળીઓ આરોગી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જાે કે, તેને સારવાર અર્થે બેભાન હાલતમાં ગોત્રી જી.એમ.ઈ.આર.એસ. હોસ્પિટલમાં દાખલ કરવાાં આવ્યા છે. જ્યાં તેમની હાલત નાજુક હોવાનું તબિબ સુત્રોએ જણાવ્યું છે. આ બનાવની જાણ ગોત્રી પોલીસને કરવામાં આવતા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી હતી.
સમગ્ર ચકચારી બનાવની વિગત એવી છે કે, કંન્ટ્રક્શનનો ધંધો કરતા શહેરના બિલ્ડર જયેશભાઈ પારેખે કંન્ટ્ર્ક્શનના ધંધા અર્થે લક્ષ્ણણ ભરવાડ નામના વ્યક્તિ પાસે વ્યાજે રૂપિયા લીધા હતા. તે બાદ જયેશભાઈ વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાયા હતા અને આર્થિક ભીંસમાં આવી ગયા હતા અને અંદાજે રૂા.૩ કરોડ જેટલું આર્થિક દેવુ વધી ગયું હતું.
આર્થિક દેવુ તથા વ્યાજખોરોના ત્રાસથી ત્રાહીમામ્ પોકારી ઉઠેલા બિલ્ડરે તેમની ઓફીસમાં જ ઊંઘની સાગમટે ૩૦ ગોળીઓ આરોગી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
ગોળીઓ આરોગ્યા બાદ તેઓ બેભાન બની જતાં સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ બનાવ સંદર્ભે તપાસના ભાગરૂપે હોસ્પિટલમાં પહોંચી ગયા પરંતુ તેઓ બેભાન અવસ્થામાં હોવાથી પોલીસે તેમનું નિવેદન નોંધી શક્યા નથી.
તદ્ઉપરાંત હજી સુધી ગુનો કે ફરિયાદ પણ નોંધાઈ ન હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે જયેશભાઈ ભાનમાં આવવા માટેની રાહ જાેઈ રહી છે.
દર્શનમના સુનિલ અગ્રવાલે થાય તે કરી લો તેવી ધમકી આપી
જયેશ પારેખે લખેલી ચિઠ્ઠીમાં જણાવ્યું છેકે સેવાસીના બ્લોક નંબર ૧૪૭ની જમીન બિલ્ડર સુનિલ અગ્રવાલને વેચાણ આપી છે. આ જમીનના રૂપિયા લેવા જાય ત્યારે તેઓ થાય તે કરી લો તેવી ધમકી આપે છે. અને કોર્ટમાં જઈ રૂપિયા લઈ લો તેમ જણાવે છે તેવો પણ ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો છે.