પાલનપુરના વેપારીની સળગાવી દીધેલી હાલતમાં લાશ મળી આવી
16, જુલાઈ 2020

 વડગામ,તા.૧૫ 

પાલનપુર શહેરના લક્ષ્મીપુરા શેરી નં-૪ના રહીશ અને હાલમાં નવલપાર્ક સોસાયટીમાં રહેતા દલપતભાઈ ઇશ્વરભાઇ પ્રજાપતિની પાલનપુર તાલુકા પંચાયત સામે રેડીમેડની દુકાન આવેલી છે.મંગળવારે સવારે દલપતભાઈ પ્રજાપતિ દુકાને ગયા હતા.ત્યારબાદ દુકાનમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીને પાંથાવાડા જવાનું કહીને નીકળ્યા હતાં.પાલનપુર બજાર સાંજે ચાર વાગ્યે બંધ થતું હોય ઘરે ન પહોંચતા વેપારીના ડોક્ટર પુત્રએ દુકાને મહિલા કર્મચારીને ફોન કરતાં જણાવ્યું હતું કે શેઠ પાંથાવાડા ગયા હોય ફોન લાગતો ન હોવાનું જણાવતાં ડોક્ટર પુત્રએ પિતાના મોબાઇલ ઉપર ફોન કરતાં રીંગ રણકી ઉઠી હતી.કોઇએ ફોન ઉપાડીને કહ્યું કે ભાઇ લાશ બળેલી હાલતમાં પડી છે.મોબાઇલ બાજુમાં પડ્યો હોવાનું જણાવતાં કુટુંબીજનોના પગ નીચેથી ધરતી સરકી પડી હોય તેવા હાલ થયા હતા.અજાણ્યા ઇસમની બળેલી લાશ પડી હોવાની વાત વાયુવેગે લોકોમાં પ્રસરી જતાં આસપાસથી લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.પાલનપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વિગતો મેળવતા મૃતકના પુત્રોને જાણ કરી હતી.જેમા રેડમેડની દુકાન ધરાવતા આધેડ વેપારીને કોઇ અજાણ્યા ઇસમો દ્વારા રીતસર સળગાવી દીધા હોવાની ફરિયાદ દાખલ થઇ છે. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે ડોક્ટર પુત્ર અને તેમના ભાઈએ સળગાવેલી હાલતમાં મળી આવેલી લાશ તેના પિતાની ઓળખી લીધી હતી.કોઇ અજાણ્યા ઇસમોએ આધેડ વેપારીને ઉઠાવી જઇને ખરાબાની સીમમાં અરડુસાના ઝાડના થડમાં લોખંડના તારથી બાંધીને મોઢામાં કપડાનો ડુચો મારીને સળગાવી દીધા હતા.આવું રાક્ષસી કૃત્ય આચરીને કોઇ અજાણ્યા શખ્સોએ આધેડને આગ લગાવીને મોત નિપજાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને લઇને મૃતકના પુત્ર સંદિલે ફરિયાદ નોંધાવી છે.પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વેપારીને સળગાવી દેનાર ઇસમોને શોધી કાઢવાની દિશામાં તપાસ હાથ ધરી છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution