દિલ્હી-

અયોધ્યામાં નિર્માણ પામનારા ભવ્ય રામમંદિરના નિર્માણ માટે ધન સંચય અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને વીએચપી મળીને દેશભરમાં રામમંદિર માટે ધન એકત્ર કરવાનું અભિયાન શરૂ કરી રહ્યું છે. આ અભિયાન અંદાજે દોઢ મહિના સુધી ચાલશે અને આ અભિયાનમાં અંદાજે દેશભરના 13 કરોડ પરિવારો સુધી પહોંચવાનો લક્ષ્‍યાંક છે. અયોધ્યામાં નિર્માણાધીન ભવ્ય રામ મંદિર નિર્માણ ધન સંગ્રહ અભિયાનનું નામ શ્રી રામ મંદિર ધન સંગ્રહ નિધિ અભિયાન નામ આપવામાં આવ્યું છે. જે અંતર્ગત 15 જાન્યુઆરી 2021થી 27 ફેબ્રુઆરી 2021 સુધી દેશભરમાં કરોડો લોકો સુધી પહોંચવાનો છે. આ લોકો પાસેથી એકત્ર થયેલા નાણાં રામમંદિર નિર્માણમાં ઉપયોગ કરવામાં આવશે.

આ અંગે મળેલી માહિતી મુજબ વીએચપી અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સાથે જોડાયેલા લોકો દેશભરમાં અંદાજે 5 લાખ 50 હજાર ગામો સુધી પહોંચવાના પ્રયત્ન કરશે. આ દરમ્યાન 13 કરોડ પરિવારો પાસેથી ધન સંગ્રહનો તેમનો લક્ષ્‍યાંક છે. તેમજ જો એક પરિવારમાં પાંચ લોકો હોવાનું પણ અનુમાન રાખીએ તો દોઢ મહિનામાં અંદાજે 65 કરોડ લોકોના સંપર્કની તૈયારીઓ છે. વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે જણાવ્યું કે શ્રી રામ મંદિર ધન સંગ્રહ અભિયાનની શરૂઆત રાષ્ટ્રપતિ જે દેશના પ્રથમ નાગરિક છે તેમની મુલાકાત કરીને કરીશું. રાષ્ટ્રપતિ બાદ ઉપ રાષ્ટ્રપતિ સાથે મુલાકાતનું આયોજન છે. આ યોજના હેઠળ વડાપ્રધાનથી લઈને અંતરિયાળ વિસ્તારના ગામો સુધી પહોંચવાનું આયોજન છે.