વડોદરા, તા.૧૦

એસીબીના તત્કાલીન નિયામક અને હાલ રાજ્યના પોલીસવડા સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ સામે સરકારની જાણ બહાર નાગરિકોના ફોન રેકોર્ડ કરવાનો મામલો હવે ઈડી અને કેગ સમક્ષ પહોંચ્યો છે. ૨૦૧૬માં શહેરના વિપુલ પટેલ સામે એસીબીએ ખોટો ગુનો નોંધી કરેલી કાર્યવાહી સામે મુખ્યમંત્રી, રાજ્ય ગૃહમંત્રી સમક્ષ વિપુલ પટેલે પેગાસસ સોફટવેરનો ઉપયોગ સરકારની જાણ બહાર કરાયો હોવાથી કડક પગલાં ભરી ગુનો નોંધવા માગ કરી હતી.

૨૦૧૬ થી ૨૦૧૭ દરમિયાન એસીબીએ પેગાસસ કે અન્ય વિદેશી જાસૂસી ઉપકરણો સોફટવેરની મદદથી રાજ્યના નાગરિકો, રાજકીય નેતાઓ, અધિકારીઓના ફોન સરકારની પરવાનગી વગર ગેરકાયદેસર કર્યા હતા. મોટી સંખ્યામાં રેકોર્ડ કરાયેલા ફોન માટે સરકાર તરફથી પરવાનગી તો શું, સાધનો, ટેકનિકલ સ્ટાફ કે સોફટવેર પણ અપાયા ન હતા. ત્યારે વિપુલ પટેલ સહિત અન્ય સામે એફઆઈઆરમાં અને હાઈકોર્ટમાં પણ એસીબીએ લોકોના ફોન રેકોર્ડ કર્યા હોવાનું સત્તાવાર રીતે સ્વીકાર્યું હતું. પરંતુ અદાલત સમક્ષ કોલ રેકોર્ડ કરવાની પરવાનગી કે સાધનો કે ટેકનિકલ સ્ટાફની વિગતો એસીબી દર્શાવી નહીં શકતાં આખો મામલો ગેરકાયદેસર કોલ રેકોર્ડિંગનો હોવાનું માની હાઈકોર્ટે વિપુલ પટેલ સહિત અન્યની જામીન ઉપર મુકત કરી કેસ ચલાવવા ઉપર મનાઈહુકમ ફરમાવ્યો હતો અને કહેવાતા દરોડા દરમિયાન જપ્ત કરેલી ૧૦ લાખની રકમ પણ પરત કરવા હુકમ ફરમાવ્યો હતો.

છ માસ અગાઉ પેગાસસ જાસૂસીનો મામલો બહાર આવતાં વિપુલ પટેલે પણ તે સમયના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી એમના સહિત અન્યોના ફોન ગેરકાયદેસર રીતે રેકોર્ડ કરી એનો ખોટી રીતે ઉપયોગ કરાયો હોવા ઉપરાંત એ માટે પેગાસસ સોફટવેરનો ઉપયોગ થયો હોવાની ફરિયાદ કરી હતી. જેમાં હાલના ડીજીપી આશિષ ભાટિયા સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ સામે ગુનો નોંધી કડક પગલાં ભરવાની માગ કરી હતી, જે ફરિયાદ ગૃહ મંત્રાલયને ફોરવર્ડ કરાઈ હતી.

બીજી તરફ વિપુલ પટેલે પ્રવર્ત્ન નિર્દેશાલય એટલે કે ઈડી સમક્ષ ૧ જાન્યુઆરીએ ફરિયાદ કરીહ તી. ગુજરાત એસીબીએ ૨૦૧૬-૧માં કરોડોના ખર્ચે ખાનગી રીતે જાસૂસી માટેના સાધનો, કોલ ઈન્ટરસેપ્ટનું સોફટવેર કરોડોના ખર્ચે લીધું હતું જેમાં હવાલાના રૂપિયાનો ઉપયોગ કરાયો હતો. એસીબીએ ગેરકાયદેસર રીતે આયાત, ખરીદી કરી આ સાધનો વિકસાવ્યા હોવાથી એની તાત્કાલિક તપાસની માગ કરી હતી. એવી જ રીતે, વિપુલ પટેલે મહાલેખાકાર વિભાગ એટલે કે કેગને પણ તા.૩-૧-૨૨ના રોજ ફરિયાદ કરી હતી અને એસીબી વિભાગના ૨૦૧૫ થી ૨૦૧૭ સુધીના હિસાબોની તપાસ અને કરોડોના ખર્ચે વસાવાયેલા જાસૂસી ઉપકરણો અને ફોન રેકોર્ડ કરવાના સોફટવેર માટે નાણાં ક્યાંથી આવ્યાં? એની તપાસની માગ કરી હતી અને બિનહિસાબી કરોડો રૂપિયાનો ઉપયોગ થયો હોવાનું જણાવી આઈપીએસ આશિષ ભાટિયા નિવૃત્ત થાય એ પહેલાં પગલાં ભરવા માગ કરી હતી. ફરિયાદથી ચોંકી ઊઠેલા કેગના ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક વિપુલ પટેલનો સંપર્ક કરી નિવેદન લીધું હતું અને જાસૂસી કૌભાંડને લગતા પુરાવાઓ પણ આપી દેશના સૌથી મોટા સ્નુફિંગ સ્કેમ અંગે અગાઉ હાઈકોર્ટમાં પણ પુરાવા રજૂ કરાયા હોવાનું પટેલે જણાવ્યું હતું. આમ, મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી બાદ રાજ્યના પેગાસસ કે એના જેવા જાસૂસી સાધનો સોફટવેરનો મામલો હવે ઈડી અને કેગ સમક્ષ પહોંચ્યો છે, જેની તપાસ શરૂ થઈ ચૂકી છે.

ઈડીના આસિ. ડાયરેકટરે જવાબ લીધો

રાજ્યના પોલીસવડા અને સિનિયર આઈપીએસ અધિકારી સામે ગંભીર આક્ષેપોના પુરાવા સહિતની ફરિયાદથી ચોંકી ઊઠેલા ઈડીના આસિસ્ટન્ટ ડાયરેકટર રાજકુમાર સિંહે વિપુલ પટેલને પત્ર લખી ફરિયાદની પૂર્તતા અને પુરાવાઓ રજૂ કરવા હાજર રહેવા સૂચના આપી હતી. એ મુજબ તા.૩ જાન્યુઆરીએ પત્ર મળ્યા બાદ બીજા જ દિવસે વિપુલ પટેલે નિવેદન લખાવી પુરાવાઓ રજૂ કર્યા હતા, જે જાેઈ ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઊઠયા હતા અને તપાસ હાથ ધરી હતી. બકરું કાઢતાં ઊંટ પેઠું

અત્યાર સુધી રાજ્યના ગૃહ મંત્રાલય સુધી પહોંચેલો આ મામલો હવે કેન્દ્રિય એજન્સીઓ કેગ અને ઈડી પાસે પહોંચ્યો છે. પરિણામે એસીબી માટે બકરું કાઢતાં ઊંટ પેઠું જેવો ઘાટ ઘડાયો છે. જ્યારે એસીબીના ચોપડે આરોપી અને હાલમાં ફરિયાદી એવા વિપુલ પટેલે સરકારી સ્પાયવેર તેમજ ઉપકરણો જપ્ત કરી હજુ સુધી ગુનો નોંધ્યો નહીં હોવાથી આશ્ચર્ય વ્યક્ત કર્યું છે અને આ કૌભાંડમાં અન્ય એક આઈપીએસ અધિકારીની સંડોવણી બહાર ના આવે એ માટે આડકતરી રીતે ધમકી અપાતી હોવાનું ઉમેર્યું છે.