લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, એપ્રીલ 2026 |
1980
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી પ્રચંડ બહુમતી બાદ, રાજ્ય સરકાર હવે ‘સેવા અને સુશાસન’ના મંત્ર સાથે પ્રજાના પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે કટિબદ્ધ છે. ગ્રામ્ય સ્તરથી લઈને રાજ્ય સ્તર સુધીના તમામ પ્રજાલક્ષી પ્રશ્નો અને ફરિયાદોનું ઝડપથી નિવારણ લાવવા મુખ્યમંત્રીએ વહીવટી તંત્રને સ્પષ્ટ આદેશો આપ્યા છે તેમ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ હતું.પ્રવક્તા મંત્રીએ મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી એ આપેલા આદેશો અંગે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટી પર જે ભરોસો મૂક્યો છે, તેને રાજ્ય સરકાર પોતાની નૈતિક જવાબદારી ગણે છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મુખ્યમંત્રી, મંત્રી ઓ અને જનપ્રતિનિધિઓએ રાજ્યના ખૂણે-ખૂણે વ્યાપક લોકસંપર્ક કર્યો હતો. આ સંપર્ક દરમિયાન જનતા દ્વારા અનેક પ્રકારની સ્થાનિક સમસ્યાઓ, વહીવટી પ્રશ્નો અને નવી અપેક્ષાઓ સરકારના ધ્યાને મૂકવામાં આવી છે. નાગરિકોની આ ફરિયાદો અને પ્રશ્નોના ત્વરિત અને અસરકારક નિરાકરણ માટે મુખ્યમંત્રીએ મુખ્ય સચિવને વિશેષ સૂચનાઓ આપી છે. મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર માટે સત્તા એ માત્ર જનતાની સેવા કરવાનું સાધન છે. જનતાએ જે અપાર વિશ્વાસ અને બહુમતી આપી છે, તેના બદલામાં સરકાર વધુ સુવિધા અને પારદર્શક વહીવટ આપવા કટિબદ્ધ છે. ચૂંટણી એ લોકશાહીનો ઉત્સવ છે, પરંતુ હવેનો સમય પ્રજાની આકાંક્ષાઓને પૂર્ણ કરવાનો છે.
પ્રવક્તા મંત્રી એ જણાવ્યું હતું કે, રાજ્યથી લઈને ગ્રામ્ય કક્ષા સુધી મળેલી ફરિયાદોનું લિસ્ટ બનાવી, તેના ત્વરિત નિવારણ માટે એક્શન પ્લાન તૈયાર કરવા મુખ્યમંત્રીીએ ઉચ્ચ અધિકારીઓને આદેશ આપ્યા છે.મુખ્યમંત્રી ના નેતૃત્વમાં આગામી દિવસોમાં રાજ્યના દરેક ખૂણે વિકાસના કામોમાં ગતિ આવશે. વિજયના ઉત્સાહને સેવામાં પરિવર્તિત કરીને નાગરિકોની નાની-મોટી તમામ મુશ્કેલીઓનો અંત લાવવા સરકાર આગામી દિવસોમાં વધુ વેગથી કાર્ય કરશે.