વડોદરા, તા.૧૨

વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાના રોકેટ ગતિએ વધી રહેલા કેસોમાં આજે વિતેલા છેલ્લા ર૪ કલાકમાં નવા ૮૬૨ કેસ નોંધાયા હતા. જેમાં ગઈકાલે શહેર-જિલ્લાના આઠ જેટલા પોલીસ કર્મચારીઓ પણ સંક્રમિત થયા બાદ આજે વધુ એક સ્પેશિયલ બ્રાન્ચ્ના પીએસઆઈનો સમાવેશ થયો છે. આજનો આંકડો જે કદાચ કોરોનાની બીજી લહેરનો રેકોર્ડ બ્રેક હશે. આજે નવા આવેલા ૮૬૨ કોરોનાના પોઝિટિવ કેસોની સાથે કોરોના પોઝિટિવ દર્દીઓના કેસોની સંખ્યા કુલ ૭૬,૩૭૭ ઉપર પહોંચી છે. જેમાં હાલના તબક્કે શહેરમાં ૨૭૧૧ કેસ એક્ટિવ હોવાનું જાણવા મળેલ છે. જ્યારે હોમ આઈસોલેશનમાં રપપ૪, હોમ ક્વોરન્ટાઈનમાં ર૯૮૪ દર્દીઓને રાખવામાં આવ્યા છે. ૧૫૭ જેટલા દર્દીઓ શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. જેમાં વેન્ટિલેટર પર ૮ અને ઓક્સિજન ઉપર ૬ર દર્દીઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે.

પાલિકાના આરોગ્ય વિભાગની ટીમો દ્વારા શહેરના જેતલપુર, બાજવા, વારસિયા, દિવાળીપુરા, સવાદ, ગોત્રી, છાણી, યમુના મિલ, તાંદલજા, સમા, અકોટા, હરણી, સુદામાપુરી, ફતેપુરા, રામદેવનગર, માંજલપુર, બાપોદ, વાઘોડિયા રોડ વિસ્તારોમાં કોરોનાની આરોગ્યલક્ષી કામગીરી સાથે સર્વે કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં ૧૦૭૭૦ જેટલા સેમ્પલોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં શહેરના ચાર ઝોનમાંથી સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં ૨૦૩, દક્ષિણ ઝોનમાં ૧૮૫, ઉત્તર ઝોનમાં ૨૧૧, પૂર્વ ઝોનમાં ૧૭૭ અને ગ્રામ્ય વિસ્તારમાં ૮૬ કોરોનાના પોઝિટિવ કેસ મળી કુલ ૮૬૨ કેસ આજે નવા નોંધાયા હતા.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ વિભાગ સહયોગી અભિયાન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા ૧૫ થી ૧૮ વર્ષની ઉંમરના બાળકોના રસીકરણની કામગીરી ચાલી રહી છે.

સયાજી હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં નવા ૪ દર્દીઓ દાખલ ઃ કુલ સંખ્યા ૧૦

વડોદરા શહેરમાં કોરોનાના કેસોમાં થઈ રહેલા વધારાને લઈને શહેરની સયાજી હોસ્પિટલમાં કોવિડો વોર્ડમાં કોરોનાના દાખલ દર્દીઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. આજે વધુ ચાર નવા દર્દીઓ કોરોના પોઝિટિવ દાખલ થતાં કુલ સંખ્યા ૧૦ થવા પામી હતી. આ ઉપરાંત આજે દિવસ દરમિયાન કોવિડ ઓપીડીમાં ૬૫ જેટલા આવેલ શંકાસ્પદ લક્ષણો સાથેના દર્દીઓની રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે પૈકી ૧૮ કેસો પોઝિટિવ જણાયા હતા. આ તમામ લક્ષણોના આધારે સારવાર આપવામાં આવી રહી છે.