વડોદરા, તા.૭ 

ફતેગંજ પોલીસ મથકમાં પુછપરછ માટે લાવ્યા બાદ ઢોર માર મારીને તેલગાંનાના વૃધ્ધનું મોત નિપજાવ્યા બાદ તેની લાશને સગેવગે કરી દેવાના ચકચારભર્યા બનાવમાં ફતેગંજ પોલીસ મથકના તત્કાલીન પીઆઈ ડી એમ ગોહિલ સહિત છ કર્મચારીઓ સામે ગુનો નોંધાયો છે પરંતુ આ બનાવમાં અત્યંત મહત્વના મનાતા પોલીસ મથકના સીસીટીવી કેમેરાના બનાવ સમયના ફુટેજ ડિલીટ કરી દેવામાં જેની મુખ્ય ભુમિકા છે તે વિપીન સામે કોઈ ગુનો નહી નોંધાતા તપાસ અધિકારીઓની કામગીરી હજુ પણ અધુરી હોવાનો ખુદ ફતેગંજ પોલીસ મથકના જ કેટલાક પોલીસ જવાનોમાં ગણગણાટ શરૂ થયો છે.

મુળ તેલંગાનાના વતની અને અમદાવાદથી વડોદરા અપડાઉન કરીને સાયકલ પર કપડાની ફેરી મારતા ૬૫ વર્ષીય શેખ બાબુને ચોરીની શંકાએ ફતેગંજ પોલીસ મથકમાં પુછપરછ માટે લવાયા બાદ પોલીસ જવાનોએ ખુરશી સાથે હાથપગ બાંધીને ચોરીની કબૂલાત કરાવવા માટે માર માર્યો હતો જેમાં શેખ બાબુનું મોત નીપજ્યું હતું. જાકે પોલીસ મથકના કોમ્પ્યુટર રૂમમાં ખેલાયેલા આ ખૂની ખેલમાં ખુદ પોલીસ જવાનોના હાથ જ લોહીથી ખરડાયેલા હોઈ પોલીસ જવાનોએ ખુંખાર ગુનેગારોને પણ સારા કહેડાવે તે રીતે આ સમગ્ર બનાવ પર પડદો પાડવા કાવત્રુ રચ્યુ હતું. પોલીસ મથકનો સ્ટાફ તેમજ આરોપીઓના સગા અને ફરિયાદ તકરાર માટે આવેલા નાગરિકો રવાના થયા બાદ મધરાતે પોલીસ મથકના ઠેક પ્રવેશદ્વાર સુધી એક કાર આવતા જ શેખ બાબુનો મૃતદેહ ઉપરથી નીચે ફેંકયા બાદ કારમાં મુકીને અજ્ઞાત સ્થળે લઈ જવાયો હતો અને ત્યારબાદ લાશને સગેવગે કરવામાં આવી હતી.

મધરાત્રે અંધારા અને એકાંતમાં ખૂની ખેલ ખેલાયા બાદ તેની પર પડદો પાડવાનું નાટક ખેલાયુ હતું અને આ હરકતને અંજામ આપનારા પોલીસ જવાનો એવુ માનતા હતા કે આપણને કોઈએ ગુનો કરતા જાયા નથી જેથી આપણે બચી જઈશું પરંતું તેઓની તમામ હરકતો પોલીસ મથકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જાકે લાશને સગેવગે કર્યા બાદ પરત ફરેલા પોલીસ જવાનો-અધિકારીને તેઓના ગુનાનો એક માત્ર પુરાવો સીસીટીવી કેમેરાના ફુટેજ હોવાની જાણ થતાં તેઓએ રાતોરાત આ સમગ્ર બનાવ સમયના સીસીટીવી કેમેરાના ફુટેજ ડિલીટ કરી નાખ્યા હતા. દરમિયાન આ બનાવમાં હવે ખુદ ફતેગંજના પુર્વ પીઆઈ ડી બી ગોહિલ તેમજ પીએસઆઈ ડીએમ રબારી અને લોકરક્ષકો પંકજ માવજી, યોગેન્દ્ર જીલણસિંહ, રાજેશ સવજી અને હિતેશ શંભુભાઈ સામે તેઓના જ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે પરંતું આ સમગ્ર બનાવમાં પુરાવાનો નાશ કરી આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરવાનો જેની પર આક્ષેપ છે તે હેકો વિપીન ગોવિંદભાઈ રાઠવા હજુ પણ પોલીસ અધિકારીઓની તપાસની રડારમાંથી આબાદ છટકી જવામાં સફળ રહ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ ફતેગંજ પોલીસ મથકના હેકો વિપીન રાઠવા જે હાજરી માસ્તર તરીકેની કામગીરી કરે છે તેની પાસે જ પોલીસ મથકના સીસીટીવી કેમેરા અને કોમ્પ્યુટરની દેખરેખની જવાબદારી છે. આ બનાવ બાદ જયારે સીસીટીવી કેમેરાના ફુટેજની માગણી કરાઈ હતી ત્યારે ખુદ આરોપીઓ પોલીસ જવાનોએ જ તેઓના અંગત સાથીદારો સમક્ષ ઘટસ્ફોટ કર્યો હતો કે વિપીને બધા ફુટેજ ઉડાવી દીધા છે એટલે અમને વાંધો નહી આવે. આ બનાવની તપાસ કરતા અધિકારી જા હજુ પણ ઉંડાણપુર્વક તપાસ કરશે તો આ બનાવમાં વિપીન રાઠવા સાથે હજુ પણ એક પીએસઆઈ અને અન્ય જિલ્લામાં બદલી થયેલા પોલીસ જવાનોની પણ સંડોવણી હોવાનું સપાટી પર આવશે તેમ મનાઈ રહ્યું છે. 

પુરાવા સાથે ચેડાનું ઈનામ : હેકો વિપીન નાઈટ ડ્યુટી અને તપાસમાંથી બાકાત

ફતેગંજ પોલીસ મથકના હેકો વિપીન રાઠવા જે લાંબા સમયથી હાજરી માસ્તર તરીકે કામગીરી કરે છે તેને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન મળવા છતાં તેને ગુનાની કોઈ તપાસ સોંપાઈ નથી તેવો આક્ષેપ કરતા પોલીસ જવાનોએ ઉમેર્યું હતું કે નિયમ મુજબ પોલીસ મથકના એકાઉન્ટ રાઈટર, ક્રાઈમ રાઈટર, પીઆઈ પર્સનલ, એમઓબી સહિતના ઓફિસ સ્ટાફને અઠવાડિયામાં એક વાર તો નાઈટ કરવી ફરજિયાત છે પરંતુ આ વિપીન રાઠવાએ ગુનાના પુરાવાનો નાશ કર્યો હોઈ તેના ઈનામ સ્વરૂપે તેને પીઆઈ દ્વારા ક્યારેય નાઈટ કે ગુનાની તપાસ સોંપવામાં આવતી નહોંતી.

રાજેશે મહિલા એએસઆઈનું ગળુ દબાવી કહ્યું તને પણ નીચે ફેંકી દઈશ 

ફતેગંજ પોલીસ મથકના પીઆઈ અને તેમના સાગરીત આરોપીઓના અત્યાચારનો ભોગ બનેલી ખુદ ફતેગંજ પોલીસ મથકની જ એક મહિલા એએસઆઈએ ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો કે શેખ બાબુની લાશને સગેવગે બાદ તે કોમ્પ્યુટર રૂમમાં તપાસ માટે ગઈ હતી જયાં તેમને જાઈને ઉશ્કેરાયેલા એલઆરડીના જવાન રાજેશ સવજીભાઈએ મહિલા એએસઆઈને તું તો બૈ પૈસાની છે તેમ કહી અપશબ્દો બોલીને તેનું ગળું દબાવી દીધું અને જણાવ્યું હતું કે તને પણ ઉંચકીને નીચે ફેંકી દઈશ. જાકે આ સમયે રૂમમાં હાજર પીએસઆઈ રાઠોડે દરમિયાનગીરી કરી બંનેને છુટ્ટા પાડી મામલો થાળે પાડ્યો હતો.

આરોપી લોકરક્ષકોની શેખી ‘અમારી તો બે મહિનામાં બદલી થઈ જશે’

સાપરાધ મોત નિપજાવવાના બનાવના આરોપી એલઆરડી જવાનો રાજેશ સવજી અને યોગેન્દ્ર જીલણસિંહની તાજેતરમાં પોલીસ હેડક્વાટર્સમાં બદલી કરાઈ છે. જાકે તેઓને હજુ પણ રિર્ઝવ સ્ટાફમાં રાખી કોઈ કામગીરી સોંપાઈ નથી. નિર્દોષ વૃધ્ધને માર મારીને તેનું મોત નિપજાવવાના ગુનામાં સંડોવાયેલા હોવા છતાં આ બંને આરોપી લોકરક્ષકો હેડક્વાર્ટસમાં એવી શેખી મારી રહ્યા છે કે અમે તો માત્ર ટાઈમપાસ કરીયે છે,અમે તો બે જ મહિનામાં હવે પોલીસ મથકમાં નહી પરંતું ડીસીબી કે પીસીબીમાં આવી જ જઈશું . અમને થોડા કોઈ જિલ્લામાંથી બહાર કાઢી મુકવાના છે.