ગાંધીનગર-

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને છેલ્લા ઘણા દિવસોથી રાજકીય પક્ષોની ઊંઘ ખરાબ છે. ત્યારે આજે શનિવારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. રાજ્યની 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો, 83 નગરપાલિકાઓ અને 6 મહાનગરપાલિકાઓ માટે 2 તબક્કામાં યોજાનારી આ ચૂંટણી માટેની તારીખો રાજ્ય ચૂંટણી પંચ આજે સાંજે 5 કલાકે જાહેર કરશે.

અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને ભાવનગર કોર્પોરેશનની ચૂંટણી અલગથી યોજવામાં આવશે, જ્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી પણ અલગથી યોજવામાં આવશે. આમ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને બે તબક્કામાં યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની પરિસ્થિતિને કારણે નહીં, પરંતુ બંને માળખાકીય બોડી અલગ અલગ હોવાના કારણે ચૂંટણી અલગ-અલગ 2 તબક્કામાં યોજવામાં આવવાની હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

કોરોના કાળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા ભાજપ અને કોંગ્રેસે છેલ્લા એક મહિનાથી કવાયત હાથ ધરી છે. ઉમેદવારો નક્કી કરવા માટે નિરીક્ષકોની નિમણૂંક સહિતની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. બન્ને પક્ષો હાલ ચૂંટણી જાહેર થવાની રાહ જોઈ રહ્યાં છે. કોરોનાનાં કારણે એક તબક્કે બન્ને પક્ષોમાં મતદાન પર અસર થવાનો ડર પણ વ્યાપેલો છે. આ વચ્ચે આમ આદમી પાર્ટી અને ઓવૈસીની પાર્ટી AIMIMની સ્થાનિક રાજકારણમાં એન્ટ્રીથી વૉટ તૂટવાનો ભય પણ ક્યાંકને ક્યાંક તેઓને સતાવી રહ્યો હોય, તેમ જણાઈ રહ્યું છે.