વડોદરા, તા.૨૧

રવિવારની સાંજે છાણી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં બે વિદ્યાર્થીઓ સેલ્ફી લેવાની લહાયમાં એક પાણીના વહેણમાં ડૂબી ગયો હતો. આજે વિદ્યાર્થીનો મૃતદેહ બનાવના ત્રણ કિ.મી. દૂરના અંતરેથી મળી આવતાં પરિવારજનોમાં ઘેરાશોકની લાગણી વ્યાપી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ શહેરના નિઝામપુરા વિસ્તારમાં સર્વોદય સોસાયટીમાં રહેતો અને ધો.૧૧માં અભ્યાસ કરતો વિદ્યાર્થી પ્રભદેવસિંગ અને ધો.૧રમાં અભ્યાસ કરતો અને ગાયત્રી એપાર્ટમેન્ટમાં રહેતો દેવ રાજુભાઈ મોરે (ઉં.વ.૧૬) બંને મિત્રો રવિવારની સાંજે સાઈકલિંગ કરવા માટે ઘરેથી નીકળ્યા હતા. બંને મિત્રો સાઈકલિંગ કરતાં છાણી વિસ્તારની નર્મદા કેનાલ પાસે આવ્યા હતા. સાંજના સમયે સૂર્યાસ્તનું દૃશ્ય જાેઈને તેઓ આકર્ષાયા હતા અને તેમની સાઈકલો કેનાલના કિનારે મૂકી બંને જણા મોબાઈલમાં સેલ્ફી લઈ રહ્યા હતા, તે દરમિયાન ત્યાંથી પસાર થતી ફોર વ્હીલર ગાડીના જૅકને કારણે પ્રભદેવની સાઈકલ કેનાલમાં પડી હતી, જેથી સાઈકલને કાઢવા માટે તે પાણીમાં ઊતર્યો હતો. પાણીનું વહેણ જાેરમાં હોવાથી તે ડૂબવા લાગ્યો હતો. જ્યારે તેને બચાવવા તેનો મિત્ર દેવ મોરે કેનાલના પાણીમાં ઊતર્યો હતો. એકબીજાને બચાવવામાં બંને વિદ્યાર્થી મિત્રો પાણીના વહેણમાં તણાવા લાગ્યા હતા.

આ બંને વિદ્યાર્થીઓએ બૂમાબૂમ કરતાં કેનાલ નજીક રહેતાં ઝુંપડાંવાસીઓ દોડી આવ્યા હતા અને સાડીનો છેડો નાખી પ્રભદેવ સિંગને બહાર કાઢી બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે બચાવવા ઉતરેલ તેનો મિત્રો દેવ મોરે પાણીના વહેણમાં ડૂબી જઈને લાપત્તા બન્યો હતો. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ટીમે મૃતદેહની શોધખોળ કરી હતી. આજે આ વિદ્યાર્થીઓ મૃતદેહ બનાવના સ્થળેથી અંદાજે ત્રણ કિ.મી.ના અંતરેથી મળી આવ્યો હતો. મૃતદેહને જાેતાં પરિવારજનોએ આક્રંદ કરી મૂકયું અને ઘેરાશોકની લાગણી વ્યાપી ગઈ હતી.