મુંબઇ 

બોલિવૂડના ડ્રગ્સ કનેક્શનમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ ગુરુવાર (10 ડિસેમ્બર)ના રોજ મેકઅપ આર્ટિસ્ટ તથા હેર સ્ટાઈલિસ્ટ સૂરજ ગોદામ્બેની ધરપકડ કરી હતી. તપાસ એજન્સી સાથે જોડાયેલા સૂત્રોના મતે, સૂરજની પાસેથી 11 ગ્રામ કોકેન જપ્ત કરવામાં આવ્યું છે. ગોદામ્બેએ ઘણાં મોટા પ્રોડક્શન હાઉસ સાથે કામ કર્યું છે. તે અરબાઝ ખાન પ્રોડક્શન પ્રાઈવેટ લિમિટેડમાં મેકઅપ ડિવિઝનનો હેડ પણ હતો. આ ઉપરાંત વરુણ શર્માનો હેર સ્ટાઈલિસ્ટ પણ છે. સૂત્રોના મતે, હવે એજન્સી અરબાઝ તથા વરુણની પૂછપરછ કરી શકે છે.

NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની આગેવાનીમાં ગુરુવાર (10 ડિસેમ્બર)ના રોજ દરોડામાં ઓશિવારા સ્થિત મીરા ટાવરની પાસેથી બે લોકોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી એક રિક્ષા તથા ડ્રગ્સમાંથી કમાયેલા 56 હજાર રૂપિયાની સાથે કોકેનના 16 પેકેટ (પેકેટ સહિત 17.6 ગ્રામ) જપ્ત કર્યાં હતાં. પેકેટ હટાવ્યા બાદ કોકેનનું કુલ વજન 11 ગ્રામ હતું.

આમાંથી એક આરોપી સૂરજ ગોદામ્બે છે, જ્યારે સપ્લાયરની ઓળખ લાલચંદ્ર યાદવ તરીકે થઈ હતી. આ ઓટો ડ્રાઈવર છે. લાલચંદ્ર નાઈઝિરિયન સિન્ડિકેટથી આવેલા ડ્રગ્સની સપ્લાય કરે છે. જપ્ત કરેલા ડ્રગ્સની ક્વોન્ટિટિ ઈન્ટર મીડિયટ છે. આથી CMM કોર્ટે બંનેને 16 ડિસેમ્બર સુધી NCBની કસ્ટડીમાં મોકલ્યા છે.