લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, એપ્રીલ 2026 |
વડોદરા |
2475
વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર થતાં પૂર્વે ભાજપા દ્વારા તમામ ૧૯ વોર્ડમાં ચૂંટણી કાર્યાલયો શરૂ કર્યા છે. જાેકે ઉમેદવારીપત્રોની ચકાસણી બાદ તમામ વોર્ડમાં ભાજપા અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે. સવાર સાંજ ફેરણી સાથે વોર્ડના વિવિધ વિસ્તારોમાં જઈને મતદારોનો સંપર્ક કરી રહ્યા છે.
પરંતુ ભાજપા દ્વારા વિવિધ વોર્ડમાં શરૂ કરવામાં આવેલા ચૂંટણી કાર્યાલયોમાંં દિવસના તો ઠીક પરંતુ રાત્રીના સમયે પણ અગાઉની ચૂંટણીમાં જે કાર્યકરો, નેતાઓની ભીડ જામેલી જાેવા મળતી હતી. તે હજુ જાેવા મળતી નથી. જ્યારે હજુ સુધી સામાન્ય લોકોને પણ ચૂંટણીમાં રસ દેખાતો નથી.
વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની આગામી તા.૨૬મી એપ્રિલે ચૂંટણી યોજાનાર છે. ત્યારે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા બાદ તમામ વોર્ડમાં ચૂંટણી પ્રચારનો જાેરશોરથી પ્રારંભ થયો છે.સામાન્ય રીતે ભાજપાના ઉમેદવારોની ફેરણીમાં મોટી સંખ્યામાં નેતાઓ, કાર્યકરોનો જમાવડો જાેવા મળે છે. પરંતુ હાલમાં હજુ સુધી ચૂંટણીનો માહોલ જામેલો જાેવા મળતો નથી.ભાજપાના કાર્યાલયો સામાન્ય રીતે ચૂંટણીમાં કાર્યકરોના ટોળાથી ધમધમતા હોય છે.
પરંતુ આ વખતે ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ કાર્યકરો, કપાયેલા દાવેદારોમાં અને કેટલાક વોર્ડ સંગઠનના હોદ્દેદારોમાં નારાજગીના કારણે નિષ્ક્રિય થતાં કાર્યાલયો દિવસના ખાલી જાેવા મળી રહ્યા છે. જાેકે, કેટલાક કાર્યાલયો પર તો દિવસના સમયે તાળા જાેવા મળ્યા હતા.