વડોદરા, તા. ૪

શહેરમાં રામનવમીના દિવસે થયેલા પથ્થરમારાના બનાવના પાંચ દિવસ બાદ વડોદરા આવેલા ગૃહરાજ્ય મંત્રીએ રાજ્ય સરકાર આ બનાવ બાબતે ગંભીર હોવાનું તેમજ શોભાયાત્રા પર પથ્થરમારો કરનારા બહાર ભાગી ગયા હશે તો ત્યાંથી તેઓને શોધીને ધરપકડ કરાશે તેમ જણાવ્યું હતું.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સવારે માધ્યમો સાથે વાત કરતા જણાવ્યું હતું કે આપણે મહેનત કરીને ગુજરાતને દેશમાં નંબર-૧ બનાવ્યું છે. ઈદનો તહેવાર હોય કે દિવાળીનો તહેવાર હોય આપણે ક્યારેય કોઈ સમાજના કોઈ ભાગલા પાડ્યા નથી તેવા સમયે રામનવમીના દિવસે શોભાયાત્રા શાંતિથી પસાર થતી હોય અને તેની પર પથ્થરમારો થાય તે અતિગંભીર બાબત છે અને આ ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે. પથ્થરમારો કરનારા શહેર છોડીને બહાર ભાગી ગયા છે પરંતું તેઓ ગમે ત્યાં છુપાયા હશે ત્યાંથી તેઓને શોધીને એક એકની ધરપકડ કરાશે.

મિડિયા સાથે વાત કરતા પહેલા ગૃહ રાજ્યમંત્રીએ શહેર પોલીસ કમિ. ખાતે મુલાકાત લીધી હતી જયાં તેમણે રામનવમીના દિવસે પથ્થરમારાના ઘટના સંદર્ભે તમામ વિગતો મેળવી બનાવ સમયના ફુટેજની પણ બારીકાઈથી ચકાસણી કરી હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે કેન્દ્રીય એજન્સી અને કેન્દ્રિય ગૃહ વિભાગ પણ વડોદરાની ઘટનાને લઈને રાજયના ગૃહવિભાગ સાથે સતત સંપર્કમાં છે. રામનવમી બાદ હવે છઠ્ઠી તારીખે હનુમાન જંયતિની પણ શહેરમાં ધામધુમથી ઉજવણી થતી હોઈ તેની પાસે સમગ્ર પોલીસ તંત્ર તૈયાર છે. નાગરીકોને ખોટી અફવાથી દુર રહેવા માટે અપિલ કરતા ગૃહરાજ્ય મંત્રીએ ચિમકી ઉચ્ચારી હતી કે ખોટી અફવા અને અશાંતિ ફેલાવનારા સામે કડકમાં કડક પગલા લેવામાં આવશે. તોફાનો બાદ વિવાદોમાં આવતી હેટસ્પિચો પર પણ રાજય સરકાર નજર રાખી રહી છે અને હેટસ્પીચ આપનારા સામે સુપ્રિમકોર્ટના ગાઈડલાઈન મુજબ પગલા લેવાયા છે. જાેકે તાજેતરમાં રાજ્યભરની જેલોમાં હાથ ધરાયેલા આકસ્મિક જડતી બાદ શું પગલાં લેવાયા છે તે અંગે ગૃહરાજ્ય મંત્રીએ જવાબ આપવાનું ટાળ્યું હતું.