લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, એપ્રીલ 2026 |
2376
સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં વર્ષ ૨૦૨૧નું પુનરાવર્તન થવાનાં એંધાણ વર્તાઇ રહ્યાં છે તે વાતની પ્રતીતિ ગુરૂવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં રોડ-શો અને જાહેરસભા પછી થવા લાગી છે. સુરત ભાજપનાં નેતાઓની જુથબંધીએ કેડરબેઝ પાર્ટીની શિસ્ત અને સંગઠનનાં લીરેલીરાં કરી મૂકતાં મોવડીમંડળ પણ વિચારમગ્ન બની ગયું છે. જે વરાછા, કતારગામ વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકો ભાજપ નેતાઓની સભામાં ઉમટી પડતાં હોય છે તે વિસ્તારમાં મુખ્યમંત્રીની હાજરી હોવા છતાં રોડ-શો અને જાહેરસભાનો ફિયાસ્કો થાય તે ભાજપ માટે ચિંતાજનક બાબત છે. ખંડણીખોર ચિરાગ ગોટીનાં પોલીસે કાઢેલાં વરઘોડામાં જેટલી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં તેનાથી અડધાં લોકો પણ મુખ્યમંત્રીનાં કાર્યક્રમમાં નહીં આવતાં સુરત ભાજપ સંગઠનનું પાણી તો મપાઇ જ ગયું સાથે સાથે જુથબંધી પણ ઉઘાડી પડી ગઇ અને આમ આદમી પાર્ટી માટે રસ્તો સરળ કરી આપ્યો હોય તેવો માહોલ સર્જાયો છે.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પાટીદારો સાથે ભાજપને નાડી અને નાભિનો સંબંધ હોવાનું છાતી ઠોકીને કહ્યું તેનાં કલાકોમાં જ પાટીદાર પ્રભાવિત વિસ્તારમાં મુખ્યમંત્રીનાં કાર્યક્રમનો ફિયાસ્કો થતાં પ્રદેશ નેતાઓએ પણ પાટીદારોને અને પાટીદાર નેતાઓને ટેઇકન ફોર ગ્રાન્ટેડ ગણવાની કરેલી ભૂલ ભારે પડી રહી હોય તેમ જણાય છે. પાટીદારોમાં અસંતોષ તો છે પરંતુ એ અસંતોષની આગને ઓલવવાને બદલે એને સળગતી રાખવાનું કામ સુરત શહેર ભાજપ સંગઠને કર્યું છે. સંગઠનનાં અનુભવ વિના માત્ર સી.આર.પાટિલની વફાદારીને કારણે શહેર પ્રમુખ પદે ઠઠાડી બેસાડાયેલાં પરેશ પટેલનું સંગઠન ઉપર કોઇ જ પ્રભુત્વ નથી તે વાતની સાબિતી મુખ્યમંત્રીનાં કાર્યક્રમની નિષ્ફળતાએ આપી દેતાં ગુસ્સે ભરાયેલાં શહેરનાં એક ધારાસભ્યે તો પાર્ટીઓફિસે પહોંચીને તડાફડી કરી દેતાં મામલો મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સુધી પહોંચી ચૂક્યો છે. ભાજપની જુથબંધીની આગને બે મોટા નેતાઓની અહમની લડાઇએ હવા આપી છે. આંગળી પકડીને ઉપર આવેલાં નેતાએ ગુરૂની જ અવગણનાં કરતાં વાત ચૂંટણીની હાર-જીત કરતાં એકબીજાનાં જુથને પછાડવા સુધી પહોંચી ચૂકી હોવાથી ચૂંટણીનાં બે દિવસ પહેલાં જ જે ડેમેજ થયું છે તેને કંટ્રોલ કરવું અઘરૂ થઇ પડ્યું છે જેની કિંમત ભાજપ ફરી એકવાર મહાનગર પાલિકાની ચૂંટણીમાં ચૂકવશે તે નક્કી મનાય છે. પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં આમ આદમી પાર્ટીને ગત ટર્મમાં મળેલી ૨૭ બેઠકો જળવાઇ રહે તે બાબતે સી.આર.પાટિલે આપેલી ચેલેન્જ બળતામાં ઘીનું કામ કરી ગઇ હોવાથી આમ આદમી પાર્ટીનું કામ આ વખતની ચૂંટણીમાં સરળ બનાવી દીધું હોય તેવું અત્યારે તો લાગી રહ્યું છે.
પાટીદાર સમાજ ઉપરાંત સિંધી સમાજ, બ્રાહ્મણ સમાજ, આહિર સમાજ, પ્રજાપતિ સમાજ અને મુળ સુરતીઓમાં પણ પ્રતિનિધિત્વ મામલે અસંતોષની લાગણી પ્રવર્તી રહી હોવાથી ભાજપ માટે તો એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. પાટીદાર પ્રભાવિત વિસ્તાર ઉપરાંત અલથાણ, બમરોલી, ગોરાટ, અડાજણ, રાંદેર, ઉધના, લિંબાયત સહિતનાં વિસ્તારોમાં ભાજપનાં ઉમેદવારોને પ્રચાર કરતાં અટકાવવાનાં કિસ્સાઓ બન્યાં છે તે જાેતાં આ વખતે પરિવર્તન છે કે પુનરાવર્તન તે કળવું મુશ્કેલ જરૂર છે પરંતુ એક વાત ચોક્કસ કે ભાજપ નેતાગીરીને સબક જરૂરથી મળશે. પરિસ્થિતિ એ સર્જાઇ છે કે, ટીકિટ વહેંચણીમાં પરિવારવાદ અને પી.એ.વાદ ચલાવનાર ભાજપ નેતાઓ પાર્ટીમાં વજન જાળવી રાખવા પોતપોતાનાં ઉમેદવારોને જીતાડવા કમર કસી રહ્યાં છે જેનાથી પેનલ તૂટવાની શક્યતાઓ પણ વધી ગઇ છે જે આમ આદમી પાર્ટી માટે તો બગાસુ ખાવા જતાં પતાસુ મળવા જેવું થશે.