વડોદરા, તા.૪

વડોદરા શહેર જિલ્લાની દસ બેઠકો પર આવતીકાલે સવારે ૮.૦૦ થી સાંજના ૫.૦૦ કલાક સુધી યોજાનાર ચૂંટણીમાં ૧૩,૩૩,૨૫૧ પુરૂષ,૧૨,૭૨,૯૯૬ મહિલા અને ૨૨૬ ત્રીજી જાતિના મતદારો સહિત કુલ ૨૬,૦૬,૪૭૩ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ને ૭૨ ઉમેદવારોનુ ભાવી ઈવીએમ માં સીલ કરશે. વડોદરા શહેર અને જિલ્લામાં મુક્ત,ન્યાયી અને નિષ્પક્ષ ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ થયુ છે અને તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.આજે બપોર થી શહેર-જિલ્લાની દસ બેઠકોની ચૂંટણી માટે નિયત દસ રવાનગી કેન્દ્રો ખાતેથી મતદાન સામગ્રી સાથે ચૂંટણી સ્ટાફને વાહનોમાં મતદાન કેન્દ્રો પર રવાના કરવામાં આવ્યો હતો.

 વડોદરા શહેર જિલ્લામાં ૧૮ થી ૧૯ વર્ષની વયના ૪૭૩૪૩,૨૦ થી ૨૯ વર્ષની વયના ૪,૭૨,૪૮૯ કુલ ૫,૧૯,૮૩૨ યુવા મતદારો,જ્યારે પીડબલ્યુડી મતદારોની સંખ્યા ૨૬૦૪૬ અને ૮૦ વર્ષથી વધુ વય ધરાવતા ૬૨૫૮૪ મતદારો નોંધાયા છે.સેવા મતદારો ૬૨૪ છે.વડોદરા જિલ્લામાં ૧૩૯૩ મતદાન મથકો શહેરી વિસ્તારોમાં અને ૧૧૯૭ ગ્રામ્ય મતદાન મથકો સહિત કુલ ૨૫૯૦ મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે.૧૩૩૦ મતદાન મથકોનું વેબ કાસ્ટીંગ કરવામાં આવશે .શહેર જિલ્લાના ૧૧૯૦ મતદાન મથકો ખાતે અર્ધ લશ્કરી દળોની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શહેર જિલ્લામાં ૧૦ મોડલ મતદાન મથકો,૧૦ દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો,૧૦ ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો,૭૦ સખી મતદાન મથકો,૦૧ યુવા સંચાલિત મતદાન મથક ઉભુ કરવામાં આવ્યું છે.ચૂંટણીમાં ૩૯૨૪ બેલેટ યુનિટ ૩૯૨૪ કંનટ્રોલ યુનિટ અને ૫૩૬૭ વીવીપેટ નો ઉપયોગ કરવામાં આવશે.મતદાન માટે કુલ ૨૧,૭૩૫ પ્રિસાઈડીંગ અને પોલીંગ સ્ટાફ ફરજ બજાવશે. શહેર જિલ્લામાં વોટર ઈન્ફોર્મેશન સ્લીપનું વિતરણ તમામ ૧૦ વિધાનસભા મત વિભાગમાં કરવામાં આવ્યું છે.આમ જિલ્લા ચૂંટણી તંત્ર ્‌દવારા તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે.ત્યારે વડોદરા શહેર-જિલ્લાના ૨૬.૦૬ લાખ મતદારો ૧૦ બેઠકો પર ૭૨ ઉમેદવારોનુ ભાવી નક્કી કરશે. જેમાં સૌથી વધુ ૧૧ ઉમેદવાર અકોટા બેઠક પર સૌથી ઓછા પાંચ ઉમેદવાર સયાજીગંજ બેઠક પર છે.