મુંબઇ

નીલા માધબ પાંડાની ઉડિયા ફિલ્મ 'કલિરા અતિતા' ઓસ્કર રેસમાં સામેલ થઈ છે. નીલાએ પોતાના સો.મીડિયા અકાઉન્ટમાં આ અંગેની માહિતી શૅ કરી હતી. આ ફિલ્મ ભારતના પૂર્વીય તટ વિસ્તાર એટલે કે ઓરિસ્સાથી ગુમ થતાં ગામોની વાર્તા છે. જળવાયુ પરિવર્તનને કારણે દરિયાનું સ્તર વધી રહ્યું છે અને તેને કારણે ગામોનો વિનાશ થાય છે. આ ફિલ્મને જનરલ કેટેગરીમાં મૂકવામાં આવી છે.

નીલાએ સો.મીડિયામાં કહ્યું હતું, 'પડકારોથી ભરેલા આ વર્ષમાં આ વાત જણાવતા આનંદ થાય છે કે 'કલિરા અતિતા'એ ઓસ્કરની જનરલ કેટેગરીમાં એન્ટ્રી કરી છે. આ એકેડમી સ્ક્રીનિંગ માટે તૈયાર છે. દરેકનો આભારી છું. ન્યૂ યોર્ક તથા લોસ એન્જલસમાં થિયેટર બંધ હોવાને કારણે અમારા માટે ક્વોલિફાઈ થવું ઘણું જ મુશ્કેલ હતું. અમે પબ્લિસિટી કરવાનું શરૂ કર્યું અને જ્યૂરી સુધી પહોંચ્યા અને તેઓ ફિલ્મ જોઈ શકે.

'કલિરા અતિતા' પહેલાં કરિશ્મા દેવ દુબેની 'બિટ્ટુ' તથા 'સૂરારાઈ પોટ્રુ'એ ઓસ્કરમાં સ્થાન મેળવ્યું છે. 15 માર્ચે ઓસ્કરના ફાઈનલ નોમિનેશનની જાહેરાત કરવામાં આવશે. અવોર્ડ સેરેમની 25 એપ્રિલે યોજાશે. ભારત તરફથી સત્તાવાર એન્ટ્રી 'જલિકટ્ટુ' રેસની બહાર નીકળી ગઈ છે.