દિલ્હી-

કોરોના મહામારીની વચ્ચે દેશમાં બ્લેક અને વ્હાઇટ ફંગસના કેસે ચિંતા વધારી દીધી છે. દિલ્હીમાં વ્હાઇટ ફંગસનો એક એવો કેસ સામે આવ્યો છે જેમાં ફંગસના લીધે મહિલાના આંતરડામાં કાણું પડી ગયું. વ્હાઇટ ફંગસના લીધે શરીરને પહોંચેલા આ પ્રકારના નુકસાનનો દુનિયામાં પહેલો કેસ છે.

દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલ દ્વારા કેસને લઇ માહિતી અપાઇ છે. હોસ્પિટલના મતે ૪૯ વર્ષની એક મહિલાને ૧૩મી મે ૨૦૨૧ના રોજ સર ગંગારામ હોસ્પિટલના ઇમરજન્સીમાં લવાયા હતા. ત્યારે તેમના પેટમાં અસહય દુઃખાવો થતો હતો અને ઉલટીઓની સાથે તેમને કબજીયાતની તકલીફ હતી. મહિલા કેન્સરથી પીડિત હતી અને થોડાંક સમય પહેલાં જ તેમની કિમોથેરાપી પણ થઇ હતી.

જ્યારે હોસ્પિટલમાં તેમનું સીટી સ્કેન કરાયું તો આંતરડામાં કાણું પડ્યાની ખબર પડી. હોસ્પિટલમાં ચાર કલાકની સર્જરી બાદ મહિલાની ફૂડ પાઇપ નાના આંતરડા અને મોટા આંતરડામાં કાણાને બંધ કરી દીધું અને લિકવિડ લીકને રોકી દીધું.હોસ્પિટલના ડૉ.અનિલ અરોરાના મતે આંતરડામાંથી કાઢેલા ટુકડાની બાયોપ્સીમાં ખબર પડી કે આંતરડામાં વ્હાઇટ ફંગસ છે જેને આંતરડાની અંદર ખતરનાક ઇજા પહોંચી હતી તેના લીધે ખાવાની પાઇપથી લઇ નાના આંતરડા અને મોટા આંતરડામાં કાણું પાડી દીધું હતું.

ડૉ.અરોરાના મતે સ્ટેરોઇડના ઉપયોગ બાદ બ્લેક ફંગસ દ્વારા આંતરડામાં કાણું પડવાના કિસ્સા તાજેતરમાં સામે આવ્યા છે. પરંતુ વ્હાઇટ ફંગસ દ્વારા કોવિડ-૧૯ ઇન્ફેકશન બાદ જમવાની નળી, નાના આંતરડાં અને મોટાં આંતરડામાં કાણા પડ્યાનો કિસ્સો આ સમગ્ર વિશ્વમાં પહેલો છે.એટલું જ નહીં તપાસમાં ખબર પડી કે દર્દીનું કોવિડ-૧૯ એન્ટીબોડી લેવલ પણ વધ્યું હતું. લોહીની તપાસ કરવા પર શરીરની અંદર વ્હાઇટ ફંગસ વધેલા મળ્યા. સર્જરી બાદ દર્દીની તબિયત સારી છે અને થોડાંક દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપી દેવાશે. ઉલ્લેખનીય છે કે અત્યારે કોરોનાની બીજી લહેર ચાલી રહી છે તેની અસર કંઇ ઓછી થઇ નથી. પરંતુ આ બધાની વચ્ચે વ્હાઇટ ફંગસ અને બ્લેક ફંગસના કેસમાં ઘણો વધારો થયો છે. દિલ્હીની કેટલીય હોસ્પિટલોમાં કેસ નોંધાયા છે. કેટલીય રાજ્ય સરકારોએ બ્લેક ફંગસને મહામારી જાહેર કરી છે.