કોરોનાના નવા સ્ટ્રેનનો પ્રથમ શંકાસ્પદ કેસ સુરતમાં મળી આવતા ખળભળાટ
01, જાન્યુઆરી 2021 495   |  

હજીરા, કોરોના બાદ એના નવા સ્ટ્રેનથી દુનિયામાં ખળભળાટ મચ્યો છે. ઈંગ્લેન્ડથી કોરોનાનો નવો સ્ટ્રેન વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે, ત્યારે ઈંગ્લેન્ડથી હઝીરા નિવાસી માતા-પિતાને મળવા આવેલી પરિણીતાનો કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવતાં આરોગ્ય વિભાગ દોડતો થઈ ગયો છે. પરિણીતાના સંપર્કમાં આવેલી તેની માતા અને બહેનને પણ કોરોના ડિટેક્ટ થતાં ત્રણેયને સુરતના નવા સિવિલ કેમ્પસમાં આવેલી કોવિડ-૧૯ હોસ્પિટલના દસમા માળે અલાયદા વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરાઈ છે, જ્યારે પિતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવા છતાં તેમને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. ત્રણેયનાં સેમ્પલને ટેસ્ટ માટે પુણેની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યાં છે, જેનો રિપોર્ટ હજુ આવ્યો નથી. યુકે નિવાસી ૩૨ વર્ષીય પરિણીતા ક્રિસમસની રજા હોવાથી ગત ૧૦મી ડિસેમ્બરના રોજ હઝીરામાં રહેતાં માતા-પિતા અને બહેનને મળવા આવી હતી. ત્યાર બાદ ગત ૨૦મીએ આ પરિણીતા યુકે પરત જવા નીકળી હતી. દિલ્હી એરપોર્ટથી ફ્લાઈટ બંધ હોવાથી પરત સુરત આવવું પડ્યું હતું. સુરત જિલ્લા આરોગ્ય વિભાગે ગત ૨૭મીએ પરિણીતા અને તેના સંપર્કમાં આવેલાં માતા-પિતા તેમજ બહેનનો પણ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં પરિણીતા તેમજ તેની માતા અને બહેનનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્યતંત્ર ચોંકી ઊઠ્યું હતું, જ્યારે પરિણીતાના પિતાનો રિપોર્ટ નેગેટિવ આવતાં તેમને ઓઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. યુકેની પરિણીતા અને તેની માતા તથા બહેનની સારવાર કરનારા સિવિલના મેડિસિન વિભાગના ડો. વિવેક ગર્ગે જણાવ્યું હતું કે બુધવારે સવારે ત્રણેયને દાખલ કરી સારવાર શરૂ કરી દેવાઈ છે. ત્રણેયની તબિયત હાલ નોર્મલ જણાઈ રહી છે. જરૂરી રિપોર્ટ કરવા સાથે સારવાર ચાલી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution