હાલોલ, તા.૧૭

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના ધામમાં માતાજીના દર્શનાર્થે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ૧૮મી જૂન શનિવારના રોજ ૯.૩૦ કલાકે આવશે. જેમાં મહાકાળી માતાજીના દર્શન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતાજીના મંદિરના શીખર પર દાયકાઓ બાદ પોતાના હસ્તે ઐતિહાસિક ધ્વજારોહણ કરી પાવાગઢ ખાતે વિવિધ વિકાસકિય કામોના લોકાર્પણ સહિત પાવાગઢની તળેટી ખાતે જેપુરા ગામે આવેલ વિરાસત વન કે જેનું લોકાર્પણ પોતાના ગુજરાતના મુખ્યમંત્રી કાળ દરમ્યાન નરેન્દ્ર મોદીજીએ વર્ષ ૨૦૧૧માં કર્યું હતું તે વિરાસત વનની પણ મુલાકાત લેવાના હોઇ વડાપ્રધાનની સુરક્ષા સલામતીને અનુલક્ષીને યાત્રાધામ પાવાગઢની ખાતે અભૂતપૂર્વ પોલીસ કાફલો ખડકી દેવાતા યાત્રાધામ પાવાગઢ ખાતે પાવાગઢની તળેટીમાં આવેલ ચાંપાનેર ગામથી લઇ માચી અને ડુંગર પર મહાકાળી માતાજીના મંદિર પરિસર સુધીનો સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. તેમજ પાવાગઢની તળેટી ખાતે આવેલ ઐતિહાસિક વડા તળાવ ખાતે નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટર ઉતરાણ માટે હેલિપેડ બનાવવામાં આવેલ છે જ્યાંથી રોડ માર્ગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાવાગઢ માચી ખાતે રોપવે સુધી જવાના હોવાથી જેને અનુલક્ષીને વડાપ્રધાનની સુરક્ષા સલામતી અને તમામ પ્રકારની વ્યવસ્થાઓને લઈને વડા તળાવના પણ ખૂણે ખાંચરે સહિત વડાતળાવથી લઇ પાવાગઢ સુધી ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે જ્યારે પાવાગઢ તળેટી ખાતે આવેલ જેપુરા ગામે વિરાસત વનની પણ પ્રધાનમંત્રી મુલાકાત લેવાના હોઇ વિરાસત વન સહિત આસપાસના સમગ્ર વિસ્તારને પણ પોલીસ છાવણીમાં ફેરવી દઈ પોલીસ ટીમો તૈનાત કરી દેવાઈ છે તેમજ વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ પાવાગઢ ખાતે સતત વોચ રાખી આસપાસના વિસ્તારોમાં બાજ નજર રાખવામાં આવી રહી છે જેમાં ૧૮મી જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી યાત્રાધામ પાવાગઢ ખાતે ત્રણ કલાક જેટલા સમય સુધી રોકાણ કરી માતાજીના દર્શન સહિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવાના હોઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષા સલામતી સહિત તમામ પ્રકારની વ્યવસ્થાઓ ને લાગતા વળગતા વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ આપી પોલીસ તંત્ર સહિત લાગતા-વળગતા તમામ વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની કામગીરી સતર્કતા અને ચોકસાઈ સાથે કરવાનો અભિગમ અપનાવી તમામ પ્રકારની કામગીરી કરવા ઉચ્ચ અધિકારીઓથી લઈ નાનામાં નાના કર્મચારી દ્વારા ખડે પગે સેવાઓ બજાવવામાં આવી રહી છે.