વડોદરા, તા.૧૭

વડોદરાની સેન્ટ્રલ જેલમાં હત્યાના ગુનામાં સજા ભોગવી રહેલા કાચાકામના કેદીને ખેંચની બીમારી હોવાથી તબિયત લથડતાં જેલના સત્તાવાળાઓ દ્વારા પોલીસના જાપ્તા સાથે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા. કેદી આરોપી પોલીસના જાપ્તાને ચકમો આપી લઘુશંકા જવાના બહાને દાખલ વોર્ડમાંથી ફરાર થઈ ગયો હોવાની જાણ વાયુવેગે વોર્ડમાં પ્રસરી જતાં દોડધામ મચી ગઈ હતી. એટલું જ નહીં, આ અંગેની જાણ પોલીસને થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને ઘટનાસ્થળના સીસીટીવીની ચકાસણી સાથે આરોપી કેદીની શોધખોળ હાથ ધરી છે અને ગણતરીના કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ભરૂચના વાલિયા ખાતેથી દબોચી લેવામાં આવ્યો હતો. જાે કે, આ બનાવ સંદર્ભે રાવપુરા પોલીસ મથકે જાપ્તાના ચાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ બેદરકારી દાખવવા બદલનો ગુનો દાખલ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર તાલુકાના નવાડિયા ગામના ટેકરા ફળિયામાં રહેતો અનિલ ઉર્ફે માઈકલ અરવિંદભાઈ વસાવા (ઉં.વ.ર૬) હત્યાના ગુનામાં કાચાકામના કેદી તરીકે વડોદરાની સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. દરમિયાન તેની ગત તા.૧૨ના રોજ જેલમાં ખેંચ આવતાં તબિયત લથડતાં તેને સારવાર માટે પોલીસના જાપ્તા હેઠળ સયાજીમાં એસઆઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. ચબરાક કેદીએ સમય અને તક જાેઈને રાત્રિના આઠ સાડા આઠ વાગ્યાની આસપાસ લઘુશંકા કરવાના બહાને જાપ્તાના ચાર પોલીસ કર્મચારીઓને ચકમો આપી વોર્ડમાંથી ફરાર થઈ ગયો હતો. આરોપી ફરાર થયાની જાણ પોલીસ કર્મચારીઓને જતાં તેમને વોર્ડમાં અને બાથરૂમના સ્થળે શોધખોળ કરી હતી, પરંતુ કેદી આરોપી મળી આવ્યો ન હતો. આ બનાવથી ચકચાર મચી જતાં આ ઘટનાની જાણ રાવપુરા પોલીસ મથકને કરવામાં આવી હતી. બનાવને પગલે પોલીસ અધિકારીઓ સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી સીસીટીવી ફુટેજના આધારે ચકાસણી કરી હતી તેમજ જાપ્તાના પોલીસ કર્મચારીઓની પૂછપરછ કરી હતી. જાપ્તાના ચારેય પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ બેદરકારી દાખવવા બદલનો ગુનો દાખલ કર્યો હતો.