મુંબઇ
દક્ષિણ ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતને ફિલ્મની દુનિયાનો સૌથી મોટો એવોર્ડ દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળશે. આજે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે તેની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, રજનીકાંતને 51મો દાદા સાહેબ ફાળકે એવોર્ડ ત્રણ મેના રોજ આપવામાં આવશે. રજનીકાંતની ઉંમર 71 વર્ષ છે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું, “સિનેમામાં શાનદાર યોગદાન માટે અત્યાર સુધી આ એવોર્ડ 50 વખત અલગ અલગ હસ્તીઓને આપવામાં આવ્યો છે. હવે 51મો એવોર્ડ સુપરસ્ટાર રજનીકાંતને આપવામાં આવશે. આ એવોર્ડ માટે રજનીકાંતની પસંદગીથી દેશને ખુશી થશે.”
12 ડિસેમ્બર 1950ના રોજ રજનીકાંતનો જન્મ બેંગલુરના મરાઠી પરિવારમાં થયો હતો. ગરીબ પરિવારમાં જન્મેલ રજનીકાંતે પોતાની મહેનત અને સંઘર્ષના જોહેર ટોલીવૂડમાં જ નહીં પણ બોલિવૂડમાં પણ ઘણું નામ કમાયું છે. સાઉથમાં તો રજનીકાંતને થલાઈવા અને ભગવાન કહેવામાં આવે છે. રજનીકાંતનું અસલી નામ શિવાજી રાવ ગાયકવાડ છે.
રજનીકાંતે 25 વર્ષની ઉંમરે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમની પ્રથમ તમિલ ફિલ્મ ‘અપૂર્વ રાગનગાલ’ હતી. આ ફિલ્મમાં તેની સાથે કમલ હાસન અને શ્રીવિદ્યા પણ હતા. 1975થી 1977ની વચ્ચે તેમણે મોટેભાગની ફિલ્મો કમલ હાસનની સાથે વિલનની ભૂમિકામાં કરી હતી. લીડ રોલમાં તેની પ્રથમ તમિલ ફિલ્મ 1978માં ભૈરવી આવી હતી. આ ફિલ્મ ખૂબ જ હિટ રહી અને રજનીકાંત સ્ટાર બની ગયા.
સાઉથમાં છવાઈ ગયા બાદ રજનીકાંતે બોલિવૂડમાં પણ ઝંપલાવ્યું હતું અને ફિલ્મ અંધા કાનૂનથી ડેબ્યું કર્યું. બોલિવૂડમાં પોતાની દમદાર એક્ટિંગ અને સિગ્નેચર સ્ટાઈલથી તેમણે લોકોને પોતાના દીવાના બનાવી દીધા હતા. તેમની સિગરેટને ફ્લિમ કરવાનો અંદાજ હોય કે સિક્કો ઉછાળવાની યૂનિક સ્ટાઈલ હોય કે ચશ્મા પહેરવા અને હસવાનો અંદાજ બધું જ ખૂબ પસંદ કરવામાં આવ્યું. દેશમાં જ નહીં વિદેશમાં પણ રજનીકાંતની સ્ટાઈલની કોપી કરવામાં આવી.
Loading ...