લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, એપ્રીલ 2026 |
3168
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં એમએસ એમઇ, ઔદ્યોગિક અને ક્ષેત્રીય વિકાસને વેગ આપવા માટે તા.૧ અને ૨ મે ના રોજ ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ’ની ત્રીજી આવૃત્તિ સુરતમાં યોજાશે વીજીઆરસીની યજમાની કરવાની તક મેળવનાર રાજ્યના આર્થિક પાટનગર સમા સુરત શહેરે તેની વ્યાવસાયિક સુઝબુઝ અને સાહસવૃત્તિથી દેશવિદેશમાં ખ્યાતિ મેળવી છે. હીરા અને કાપડ વ્યવસાયમાં વિશ્વ વિખ્યાત સુરતનો ‘જરી ઉદ્યોગ’આ શહેરની સાહસિકતા, પ્રાચીન ગૌરવને ઉજાગર કરે છે.
સુરત શહેરના બેગમપુરા, વાડીફળિયા, ખટોદરા, ભાટેના અને નવાપુરા જેવા વિસ્તારો એક સદી પહેલા સુરતમાં વિકાસ પામેલા જરી ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો રહ્યા છે. મૂળ સુરતના ગોલા-કણબી, ખત્રી, રાણા અને પટેલ જ્ઞાતિના કુટુંબો અંદાજે ૧૨૦ વર્ષ જૂની વંશપરંપરાગત કલાને પેઢી દર પેઢી જીવંત રાખી રહ્યા છે. સુરતની ભૌગોલિક પરિસ્થતિ, અહીંની ભેજવાળી હવા જરીના તારના વણાટ અને ખેંચાણ માટે અત્યંત અનુકૂળ છે. આ જ કારણથી અહીં ઉત્પાદિત જરીની ગુણવત્તા સર્વોત્તમ રહે છે. વર્તમાન સમયમાં સુરતનો જરી ઉદ્યોગ આધુનિકતા સાથે કદમ મિલાવી રહ્યો છે. આજે સુરતમાં ૮૦ ટકા જેટલું ઉત્પાદન સસ્તી અને ટકાઉ મેટાલિક યાર્ન જરીનું થાય છે, જ્યારે ૨૦ ટકા સાચી જરીનું ઉત્પાદન જળવાઈ રહ્યું છે. સુરતના વરાછા, કતારગામ, પુણા વિસ્તારમાં આજે પણ હજારો ખટારા ઘરોમાં ચાલે છે. તેમજ હાલ સુરત ભારતનું ૭૦% જરીનું ઉત્પાદન કરનારું શહેર છે. અને જરી ઉદ્યોગ માટે જરૂરી મશીનરીનું ઉત્પાદન પણ સુરતમાં જ થાય છે.
સુરત જરી મેન્યુફેક્ચરિંગ એસોશિયેશનના પ્રમુખ બંકીમચંદ્ર જરીવાલાએ કહ્યું કે, વર્ષોથી અસલ સોના-ચાંદીમાં તૈયાર કરાતી જરી ધીરે ધીરે તાંબા અને કાંસામાં બનતી થઇ અને રિઅલ જરીના વધતા ભાવને કારણે છેલ્લા ૧૦-૧૫ વર્ષથી હવે પ્લાસ્ટીકના તારમાંથી પણ મેટાલિક યાર્ન જરીનું ઉત્પાદન શરૂ થયું છે. હાલ સુરતમાં જરી ઉદ્યોગના ૮૦૦ જેટલા યુનિટ નોંધાયેલા છે. જેનું વર્ષે અંદાજે ૮૦૦ થી ૯૦૦ કરોડનું ટર્નઓવર છે. આ ઐતિહાસિક ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આશરે ૨.૫૦ લાખ લોકો જાેડાયેલા છે, અને આજે પણ ‘જરી’ તેમની આજીવિકાનો મૂળ સ્ત્રોત છે. જરીનો ઉપયોગ મુખ્યત્વે કિંમતી સાડીઓમાં તેમજ ભરતકામમાં કિંમતી પોષાક તૈયાર કરવામાં થાય છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં હાથવણાંટના કુશળ કારીગરો દ્વારા જરીમાંથી બનાવેલી કાંજીવરમ, કોચંપલ, ધર્મવરમ, બેંગ્લોરી કે બનારસી સિલ્કની સાડીઓ પ્રખ્યાત છે.