અમદાવાદ,  રાજ્યમાં કોરોનાના કપરા કાળમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. હવે કોરોનાને લીધે મૃત્યુ થયુ હોય તેવા મૃતકોના પરિવારજનોને સરકાર દ્વારા સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. અને તેના ફોર્મનું વિતરણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પણ કોરોનાના સહાયના મુદ્દે ગુજરાત સરકારની આલોચના કરી હતી, ડેથ સર્ટીફિકેટમાં મૃત્યુનું કારણ કોરોના લખેલું હોય તેને જ સહાય મળી શકે પણ મોટાભાગના કેસમાં મૃત્યુનું કારણ કોરોના લખવામાં આવ્યું જ નથી ત્યારે હજારો પરિવારો સરકારી સહાયથી વંચિત રહે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે આ મુદ્દે રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા મહત્વની કવાયત શરૂ કરવામાં આવી છે, કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને સહાય મેળવવા માટે હવે કોવિડનો પોઝિટિવ રિપોર્ટ માન્ય કરવાની દિશામાં સરકાર વિચારણા કરી રહી છે.સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા પરિપત્રને મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા રાજ્ય સરકારને આડેહાથ લીધી હતી આ મામલે રાજ્ય સરકારે ગંભીરતાથી વિચારણા શરૂ કરી છે અને આ પરિપત્ર માં કેટલાક સુધારા દાખલ કરવાની દિશામાં આજે મહત્વની બેઠક રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ બોલાવી હતી. જેમાં કોવિડથી મૃત્યુ પામેલા લોકોને ૫૦૦૦૦ ની સહાય આપવાની થાય છે તે કિસ્સામાં રાજ્ય સરકાર હવે ટેસ્ટનો પોઝિટિવ રિપોર્ટ માન્ય રાખવાની દિશામાં આગળ વધી રહી છે.કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોનાં પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરાયા બાદ એવો મુદ્દો ઊઠ્‌યો હતો કે, ઘણા મૃતકનાં સર્ટિફિકેટમાં મોતનું કારણ કોરોના લખવામાં નહોતું આવ્યું. આ મામલે હોબાળો થતાં હવે ગુજરાત સરકાર દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને સર્ટિફિકેટ આપવા માટે સમિતિ તૈયાર કરવામાં આવી છે.

નવસારીમાં કોરોનાથી એક દર્દીનું મોત નીપજ્યું નવા ૩૬ કેસ નોંધાયા

ગાંધીનગર,  ગુજરાતમાં મંગળવારના રોજ કોરોનાના નવા ૩૬ કેસ સામે આવ્યા છે. બીજી તરફ ૨૫ દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં ૮,૧૬,૮૫૬ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૮.૭૪ ટકાએ પહોંચ્યું છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી રહી છે. આજના દિવસમાં ૫,૧૦,૮૪૯ કોરોનાના ડોઝ આપવામાં આવ્યા હતા. જાે રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં ૩૧૯ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૬ નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે ૩૧૩ નાગરિકો સ્ટેબલ છે. ૮,૧૬,૮૫૬ નાગરિકો કોરોનાને મ્હાત આપીને ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. બીજી તરફ ૧૦૦૯૨ નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. એક નાગરિકનું નવસારીમાં કોરોનાને કારણે મોત નિપજ્યું છે. અમદાવાદ કોર્પોરેશનમાં ૧૭ કેસ, વડોદરા કોર્પોરેશન ૬, નવસારી ૩, જામનગર, રાજકોટ અને સુરત કોર્પોરેશનમાં ૨-૨ કેસ. ગીર સોમનાથ, જામનગર, સુરત અને વલસાડમાં ૧-૧ કેસ નોંધાયા હતા. બીજી તરફ જાે રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૧૦ ને રસીનો પ્રથમ ડોઝ જ્યારે ૧૯૯૪ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.