અયોધ્યા -

'નાગર શૈલી'માં સાડા ત્રણ વર્ષમાં 100 કરોડના ખર્ચે મંદિર તૈયાર થશે રામ મંદિરના ભૂમિ પૂજન પહેલાં સૂચિત મોડલની તસવીરો સામે આવી ગઈ છે. રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર તરફથી જાહેર કરાયેલી તસવીરોમાં ભવ્ય રામમંદિરની ઝલક દેખી શકાય છે. આ વીએચપીના જૂના મોડલ કરતાં બિલકુલ અલગ છે. રામ મંદિરની આ ડિઝાઈન વાસ્તુકાર નિખિલ સોમપુરાએ તૈયાર કરી છે. રામલલ્લાના મંદિરની આ પહેલા વીએચપીના જૂનું આપણી સામે હતું,હવે જૂની ડિઝાઈનમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. મંદિરના નવા મોડલમાં ઊંચાઈ, આકાર, ક્ષેત્રફળ અને પાયાની સંરચનામાં પણ ખૂબ ફેરફાર છે. આર્કિટેક્ટ પ્રોજેક્ટ અનુસાર મંદિર બનીને તૈયાર થવામાં સાડા ત્રણ વર્ષનો સમય લાગી શકે છે.

મંદિર ત્રણ માળનું હશે અને વાસ્તુશાસ્ત્ર અનુસાર તૈયાર કરવામાં આવ્યું છે. મંદિરના શિખરની ઊંચાઈ વધારીને 161 ફૂટ કરવામાં આવી છે. આ સાથે જ ગુંબજોની સંખ્યા ત્રણથી વધારીને પાંચ કરવામાં આવી છે. મંદિરના જમીનનો આકાર પણ વધારવામાં આવ્યો છે. જ્યાં રામલલાનો ગર્ભગૃહ બનશે, તેના ઉપરના ભાગમાં જ શિખર બનાવાશે. મંદિરની ભવ્યતા વધારવા માટે ગુંબજ કરવામાં આવ્યા છે. રામ મંદિરના પાંચ ગુંબજોના નીચેના ભાગમાં ચાર હિસ્સા હશે. એમાં સિંહદ્વાર, નૃત્ય મંડપ, રંગમંડપ બનશે. અહિંયા શ્રદ્ધાળુઓને બેસવા અને વિવિધ કાર્યક્રમ આયોજિત કરવાની જગ્યા હશે. રામમંદિરની નવી ડિઝાઈન અનુસાર આખા મંદિરમાં કુલ 318 સ્તંભ હશે. મંદિરના પ્રત્યેક તલ પર 106 સ્તંભ બનાવાશે. રામમંદિરના શિલ્પકાર ચંદ્રકાંત સોમપુરાના કહેવા અનુસાર મંદિર માટે કુલ ખર્ચ 100 કરોડ થવાનો અંદાજ છે. આ ખર્ચ એક અંદાજ અનુસાર વધી શકે છે. આ મંદિરની ડિઝાઈન 'નાગર શૈલી'ની છે. 

મંદિર માટે કરોડોના દાનનો પ્રવાહ, સોના-ચાંદીની ઈંટો પણ મોકલાઈ

મંદિરના ભૂમિ પૂજન માટે ગણતરીના લોકોને આમંત્રણ અપાયું હોય પણ દેશના કરોડો શ્રધ્ધાળુઓ માટે આ પ્રસંગ અનેરુ મહત્વ લઈને આવ્યો છે. ભાવિકો મંદિર માટે સોના ચાંદીની ઈંટો પણ દાનમાં આપી રહ્યા છે. હૈદ્રાબાદના જ્વેલર કે શ્રીનિવાસે રામ મંદિર નિર્માણ માટે એક કિલો સોનાનીઈંટ ડોનેટ કરી છે. આ જ રીતે પાંચ કિલો ચાંદીની ઈંટ પણ ટ્રસ્ટને દાનમાં અપાઈ છે. તેના સિવાય યુપીના જ્વેલર્સ એસોસિએશન તરફથી 33 કિલો ચાંદીની ઈંટો દાન આપવામાં આવી છે. દેશમાંથી એટલે જ દાનનો પ્રવાહ અયોધ્યા તરફ વહી રહ્યો છે. ગુજરાતના કથાકાર મોરારિબાપુએ પાંચ કરોડનું દાન કર્યું છે. શિવસેના પણ એક કરોડનુ દાન આપવાની જાહેરાત કરી ચુકી છે.