અમદાવાદ, અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોંઘીદાટ જેગુઆર ગાડી વડે નવ લોકોને કચડીને મોતના મુખમાં ધકેલી દેનાર કારચાલક તથ્ય પટેલ સામે પોલીસે ફરિયાદ દાખલ કરીને ૧૬૮૪ ચાર્જશીટ રજૂ કરી હતી. અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમા કેસ ટ્રાયલ માટે ઓપન થતાં જ આરોપીઓના વકીલે કોર્ટ સમક્ષ ડિસ્ચાર્જ અરજી મૂકી હતી. જેમાં તથ્ય પટેલ પર નોંધાયેલા ગુનામાં કલમ ૩૦૪ અને ૩૦૮ દૂર કરવા અને પ્રગ્નેશ પટેલના પર નોંધાયેલા ગુનામાં કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮ , ૩૦૪ , ૩૦૮ દૂર કરવા અરજી કરાઈ હતી. જે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ બંને એ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટનાં ડિસ્ચાર્જ અરજી અંગેના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો છે. આજે હાઇકોર્ટમાં જજ એસ.વી. પિન્ટોની કોર્ટમાં તથ્ય પટેલની ડિસ્ચાર્જ અરજી રજૂ થઈ હતી. અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમા આ કેસ ચાર્જ ફ્રેમિંગના સ્ટેજ ઉપર છે, પરંતુ બંનેની ડિસ્ચાર્જ અરજી હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. આજે તથ્ય પટેલ વતી એડવોકેટ આઇ. એચ. સૈયદે દલીલ કરી હતી કે, તથ્ય ઉપર  કલમ ૩૦૪ લાગી શકે નહીં. આ સાથે કોર્ટમાં અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે આપેલ ચુકાદાના અંશો ટાંકવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે નોંધ્યું હતું કે, આ ગંભીર ગુનો છે, પ્રથમદર્શીય કેસ છે. ફરિયાદ પક્ષને આરોપી ઉપર લાગેલ ચાર્જ સાબિત કરવાની તક આપવી જાેઈએ. ઉલ્લેખનીય છે કે, હાઇકોર્ટમાં પ્રજ્ઞેશ પટેલની ડિસ્ચાર્જ અરજી સાથે હવે તથ્ય પટેલની ડિસ્ચાર્જ અરજી ઉપર હવે ૫ ડિસેમ્બરે સુનાવણી હાથ ધરાશે.