વડોદરા, તા.૨૮

બદલાતા વાતાવરણ વચ્ચે સૂર્યદેવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં આકાશમાંથી અગનવર્ષા વરસી રહી છે. જેના પરિણામે સમગ્ર શહેર-જિલ્લામાં અસહ્ય હિટવેવની ચાદર પથરાઈ છે. આ હિટવેવને કારણે લોકો ત્રાહિમામ્‌ પોકારી ઊઠયા છે. એટલું જ નહીં, આકરી ગરમીની સામે પંખા, એ.સી.ની હવા પણ વામણી સાબિત થઈ રહી છે. અલબત્ત, આ આકરી ગરમીથી અબોલા પશુ-પક્ષી અને માનવ ત્રાહિમામ્‌ પોકારી ઊઠયા છે. પશુઓ પણ વૃક્ષના ઓથ લઈને ગરમીથી રક્ષણ મેળવતા નજરે પડી રહ્યા છે.

સમગ્ર શહેરમાં હિટવેવની ચાદર પથરાવવાના કારણે શહેરના રાજમાર્ગો બપોરના ૧ર થી પ દરમિયાન સૂમસામ ભાસી રહ્યા છે. રોડ પર ડામર પણ પીગળતો જાેવા મળી રહ્યો છે. લોકો નાછૂટકે આકરી ગરમીમાં કામકાજ માટે નીકળતા હોય છે તેઓ માર્ગો ઉપર છાશ, લસ્સી, લીંબું સરબત, શેરડી રસ, ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આજે દિવસ દરમિયાન ઉનાળાની સીઝનનો સૌથી હાઈએસ્ટ વધુ તાપમાન ૪૩.૬ ડિગ્રી અને લઘુતમ તાપમાન ર૩.૬ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ સવારે ૪પ ટકા જે સાંથે ૧૮ ટકા નોંધાયું હતું. જ્યારે પવનની સરેરાશ ગતિ પ્રતિકલાકના ૮ કિ.મી. નોંધાઈ હતી. ૮ કિ.મી.ની ઝડપે ફૂંકાતા ગરમ પવનોને કારણે ટુવ્હીલર ચાલકોને અંગ દઝાડતી ગરમીનો અનુભવ થયો હતો. હજુ પણ ગરમીનો પારો વધવાની શક્યતાને નકારી શકાય તેમ નથી.