એક અંગ્રેજ હાકેમની મનમાનીએ ‘કલાનગરી’ વડોદરાની બદામડીબાગ સ્થિત એકમાત્ર સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી છીનવી લીધી. શહેરની ઓળખ અથવા ચારિત્ર્યનું વસ્ત્રાહરણ કરવાની સત્તાધીશોની આ કુચેષ્ટા સામે વર્ષોથી લડત ચલાવી રહેલા વડોદરાના ફોટોગ્રાફરો-કલાકારોએ છીનવાઈ ગયેલી આર્ટ ગેલેરી યોગ્ય સાધન-સુવિધાઓ સાથે અન્યત્ર ફાળવી આપવા એટલા બધા વિનંતીપત્રો-આવેદનપત્રો આપ્યા છે કે આજે એની થપ્પીનું કદ સ્વામી વિવેકાનંદની પ્રતિમાની ઊંચાઈ સાથે સ્પર્ધા કરી શકે એમ છે. સ્વામી વિવેકાનંદની જન્મજયંતી નિમિત્તે હોંશે-હોંશે ઊંચે ચઢી પ્રતિમાઓને હારતોરા કરનારાઓ અને વડાપ્રધાન પરના કહેવાતા સૂચિત હુમલાને સહાનુભૂતિના મોજામાં પલટાવવાનો પ્રયાસ કરનાર વડોદરાના રાજકીય અગ્રણીઓ આજે જે કલાનગરીના સેવકો છે એ નગરીને પોતાની આગવી ઓળખ અનુરૂપ યથાયોગ્ય આર્ટ ગેલેરી આપવા કયારે આટલો ઉત્સાહ અને વફાદારી બતાવશે?