દિલ્હી-

વર્ષ 2021માં ભારતનો આર્થિક વૃદ્વિદર 12.5 ટકા રહેશે તેવો અંદાજ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડએ વ્યક્ત કર્યો છે. IMFના જણાવ્યા અનુસાર વર્ષ 2021માં ભારતનો જીડીપી ચીન કરતાં પણ વધારે રહેશે. આપને જણાવી દઇએ કે વર્ષ 2020માં ફક્ત ચીનનો જીડીપી પોઝિટિવ રહ્યો છે.

વોશિંગ્ટન સ્થિત વૈશ્વિક નાણાકીય સંસ્થાએ પોતાના વાર્ષિક વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂકમાં ભારતનો જીડીપી 12.5 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. આ અહેવાલ અનુસાર 2022માં ભારતનો જીડીપી 6.9 ટકા રહેવાનો અંદાજ છે.વર્ષ 2020માં ભારતના અર્થતંત્રમાં વિક્રમજનક 8 ટકાનો ઘટાડો નોંધાયો છે. જો કે વર્ષ 2021માં ભારતનો જીડીપી જોરદાર ઉછળીને 12.5 ટકા રહેવાની શક્યતા છે તેમ IMFના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

બીજી તરફ વર્ષ 2020માં ચીનનો જીડીપી 2.2 ટકા રહ્યો છે. ચીન એક માત્ર વિશ્વનું અગ્રણી અર્થતંત્ર છે જેનો જીડીપી પોઝિટિવ રહ્યો છે. IMF અનુસાર વર્ષ 2021માં ચીનનો જીડીપી 6 ટકા અને વર્ષ 2022માં 5.6 ટકા રહેવાની શક્યતા છે. આઇએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે જણાવ્યું છે કે અમારા અગાઉના અંદાજ કરતા વૈશ્વિક અર્થતંત્ર ૨૦૨૧ અને ૨૦૨૨માં વધુ સારી રીતે વિકાસ કરશે. વૈશ્વિક અર્થતંત્ર ૨૦૨૧માં ૬ ટકા અને ૨૦૨૨માં ૪.૪ ટકાના દરે વિકાસ કરશે. ઉલ્લેખનીય છે કે ૨૦૨૦માં વૈશ્વિક અર્થતંત્રમાં ૩.૩ ટકાનો ઘટાડો થયો હતો. જો કે ગીતાએ વધુમાં જણાવ્યું હતું કે વૈશ્વિક અને વિવિધ દેશોના અર્થતંત્ર સામે કોરોના મહામારી સહિતના પડકારો રહેલા છે. અર્થતંત્રના વિકાસનો આધાર આર્થિક પ્રવૃત્તિઓની રિકવરી પર રહેશે.