લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, ફેબ્રુઆરી 2026 |
2673
અમદાવાદ, ચંડોળા તળાવમાં એએમસી અને પોલીસ દ્વારા કરવામાં આવેલા ડિમોલેશનની કાર્યવાહી બાદ ચૂંટણી પંચની ખાસ મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે. વિપક્ષનો આક્ષેપ છે કે ભાજપના કાર્યકર્તાઓએ ૪૦૦ જેટલા ફોર્મ નંબર સાતની ડમી અરજીઓ કરી છે. ૭ ફેબ્રુઆરીના રોજ દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર અને વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણ દ્વારા ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે ભાજપના કાર્યકર્તાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા રજૂઆત કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ ચંડોળા તળાવના વિસ્થાપિતોને સાથે રાખી ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકર્તાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા. જેમાં ભાજપના કાર્યકર્તાઓના ફોટા સાથે તેમણે જણાવ્યું હતું કે ભાજપના કાર્યકર્તા બનીને લોકોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે. તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધવા માટે ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે. ફોર્મ નંબર ૭ ભરી લોકોના નામ મતદારયાદીમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોલીસને સાથે રાખીને ચંડોળા તળાવમાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જેમાં આ વિસ્તારમાં રહેનારા નાગરિકો પાસે અત્યારે પોતાનું કોઈ કાયમી સરનામું નથી કેટલાક લોકો અન્યત્ર જગ્યાએ રહેવા જતા રહ્યા છે તો કેટલાક લોકો પોતપોતાના સંબધીઓના ઘરે રહેવા જતા રહ્યા છે કેટલાક લોકો ફૂટપાથ ઉપર રહે છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમને ઇડબલ્યુએસના મકાનો આપવાની વાત કરવામાં આવી હતી. અત્યારે હાલમાં તેમના મતદાર યાદીમાંથી નામ દૂર કરી દેવામાં આવ્યા છે. ચંડોળા તળાવ વિસ્તારમાં રહેનારા નાગરિકો માટે ખાસ મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત બે દિવસનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં જેટલા પણ લોકો ચંડોળા તળાવમાં રહેતા હોય તેમના પુરાવા આપી મતદાર યાદીમાં નામ રહે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમ છતાં પણ મતદાર યાદીમાં ફોર્મ નંબર ૭ ભરી ચંડોળા તળાવ વિસ્તારમાં રહેનારા અનેક નાગરિકોના નામ ડમી અરજીઓ કરી મતદારયાદીમાંથી દૂર કરી દેવામાં આવતા વિપક્ષના નેતા દ્વારા ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા ગયા હતા.