ગાંધીનગર,તા.૧૭

રાજ્યના વિવિધ સરકારી કર્મીઓ દ્વારા જૂની પેન્શન યોજના શરૂ કરવાની માંગણીઓ કરવામાં આવી રહી છે, તેની વચ્ચે હવે રાજ્યના પૂર્વ ધારાસભ્યોએ તેમને પેન્શન સહિતની સુવિધાઓ આપવામાં આવે તેવી વિધાનસભા અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરાઈ હતી. જે અંગે વિધાનસભા અધ્યક્ષ દ્વારા એક્સ એમએલએ કાઉન્સિલના સભ્યોએ સાથે મળીને તેનો ઉકેલ લાવવા જણાવ્યું હોવાનું કાઉન્સિલના મહામંત્રી ભીખાભાઈ રબારીએ જણાવ્યું હતું. જ્યારે બેઠક બાદ પૂર્વ ધારાસભ્ય અને કાઉન્સિલના સભ્ય ભરત બારોટે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પૂર્વ ધારાસભ્યોના પેન્શન મામલે યોગ્ય ર્નિણય નહીં લે તો આગામી સમયમાં એક્સ એમએલએ કાઉન્સિલ દ્વારા કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી.

ગુજરાતના પૂર્વ ધારાસભ્યોના સંગઠન એક્સ એમએલએ કાઉન્સિલની આજે ગાંધીનગર ખાતે કારોબારી અને સામાન્ય સભા મળી હતી. જેમાં પૂર્વ ધારાસભ્યોને અન્ય રાજયોની જેમ પેન્શન અપાય તે મુદ્દે ચર્ચા કરાઈ હતી. એક્સ એમએલએ કાઉન્સિલ દ્વારા અગાઉ પેન્શન બાબતે અનેકવાર રાજ્ય સરકારને રજૂઆત કરી હતી. આજની બેઠકમાં પણ અન્ય રાજ્યની જેમ ગુજરાતમાં પણ પૂર્વ ધારાસભ્યોને પેન્શન મળે તે બાબતે ચર્ચા થઈ હતી.