શિક્ષક દંપતીના જાેડિયા પુત્રોએ એક જ પંખા પર લટકીને ફાંસો ખાધો
15, ડિસેમ્બર 2021

વડોદરા : ન્યુઅલકાપુરી વિસ્તારમાં રહેતા શિક્ષક દંપતીના ધો.૧૨ (સાયન્સ)માં અભ્યાસ કરતા જાેડિયા પુત્રોએ ગઈ કાલે અભ્યાસના તાણમાં આવીને સ્ટડીરૂમમાં એક જ પંખા પર ચાદર વડે લટકીને એક સાથે ફાંસો ખાધો હતો. આ બનાવમાં બંને ભાઈઓ પૈકીનું એકનું મોત નિપજ્યું હતું જયારે અન્ય ભાઈના ચાદરની ગાંઠ ખુલી જતા તે બેભાનવસ્થામાં નીચે પટકાયો હતો. મોડી સાંજે નોકરી પરથી ઘરે પરત ફરેલા પિતાએ પુત્રોના રૂમમાં તપાસ કરતા તે આ દ્રશ્ય જાેઈને ચોંકી ઉઠ્યા હતા અને બંને પુત્રોને તુરંત હોસ્પિટલમાં ખસેડ્યા હતા જયાં એક પુત્રનું મોત અને એક પુત્રની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવતા પરિવારજનો ભાંગી પડ્યા હતા.

ન્યુ અલકાપુરી વિસ્તારમાં ગાયત્રી પ્લોટની બાજુમાં આવેલા શાંતમ રેસીડન્સીમાં રહેતા રાજેશભાઈ પટેલ અને તેમના પત્ની બંને જણા વ્યવસાયે શિક્ષક છે અને તેઓ બંને આંકલાવની શાળામાં ફરજ બજાવે છે. તેમના ત્રણ સંતાનો પૈકી સૈાથી મોટો પુત્ર હાલમાં બી.એસ.સીનો અભ્યાસ કરે છે જયારે જાેડિયા પુત્રો ૧૮ વર્ષીય રૂપેન તેના ભાઈ રેહાંશ સાથે પાર્થ સ્કુલમાં ધો.૧૨ (સાયન્સ)માં અભ્યાસ કરતો હતો. બંને જાેડિયા ભાઈઓ અભ્યાસમાં તેજસ્વી હોઈ તેઓને ધો.૧૨ પાસ કર્યા બાદ મેડિકલ લાઈનમાં જવાની ઈચ્છા હતી જેથી તેઓ બોર્ડની પરીક્ષા સાથે મેડિકલમાં પ્રવેશ મેળવતા અગાઉ આપવી પડતી નીટની એક્ઝામની પણ તૈયારી કરતા હતા.

ગઈ કાલે રાબેતા મુજબ માતા-પિતા શાળામાં તેમજ ભાઈ કોલેજમાં અને બંને ભાઈઓ શાળામાં ગયા હતા. મોડી સાંજે સાડા સાત વાગે તેઓના પિતા ઘરે પરત ફર્યા હતા અને તેમણે બંને જાેડિયા પુત્રોને સ્ટડીરૂમમાંથી બહાર બોલાવવા માટે બુમ પાડી હતી. જાેકે અંદરથી કોઈ પ્રત્યુત્તર નહી આવતા પિતાએ તપાસ કરવા માટે સ્ટડીરૂમનો દરવાજાે ખોલતા જ તે ચોંકી ઉઠ્યા હતા. સ્ટડીરૂમમાં રૂપેન સિલિંગ ફેન સાથે ફાંસો ખાઈને લટકેલી તેમજ બીજાેપુત્ર રેહાંશ પણ ફાંસો ખાધા બાદ ગળામાં ચાદર બાંધેલી હાલતમાં નીચે જમીન પર બેભાન હાલતમાં પડેલો જાેતા તેમણે બુમરાણ મચાવી હતી. બંને જાેડિયા ભાઈઓને તુરંત બેભાનવસ્થામાં સયાજી હોસ્પિટલમાં ખસેડાતા તૈ પૈકી રૂપેનને તબીબોએ મૃત જાહેર કર્યો હતો જયારે રેહાંશની સારવાર શરૂ કરી હતી જેમાં તેની હાલત હજુ પણ અત્યંત નાજુક હોવાનું તબીબોએ જણાવ્યું છે. આ બનાવની લક્ષ્મીપુરા પોલીસ મથકે જાણ કરાતા પીએસઆઈ આર.કે.ગોંસાઈએ રૂપેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી તપાસ શરૂ કરી હતી. બંને ભાઈઓએ ફાંસો ખાવા માટે ચોક્કસ કારણ કે કોઈ અંતિમચિઠ્ઠી નહી મળતાં તેઓએ પરીક્ષાની તાણમાં આ પગલુ ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. જાેકે રેહાંશ હજુ પણ બેભાન હોઈ તે ભાનમાં આવ્યા બાદ આપઘાતનું ચોક્કસ કારણ સપાટી પર આવશે તેમ પોલીસે જણાવ્યું છે.વ

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution