વલસાડ-

કોંગ્રેસમાં છેલ્લા કેટલાય સમયથી અંદરો અંદર ચાલી રહેલો આંતરિક કલહ હવે બહાર આવી રહ્યો છે. જેને લીધે વર્ષોથી કોંગ્રેસ પાર્ટી માં કામ કરી રહેલ કાર્યકરોને રાજીનામું આપવાનો વારો આવ્યો છે. જેને લઈને વલસાડ જીલ્લા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. જેમાં કપરાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ સાંસદ પર આક્ષેપો કરીને રાજીનામું આપી દેતા વલસાડ જિલ્લા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે આગામી સમયમાં જિલ્લા પ્રમુખના મનસ્વી નિર્ણયોથી કંટાળેલા અનેક કાર્યકરો રાજીનામાં આપે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે.

મળતી માહીતી મુજબ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતા કોંગ્રેસ નેતા સોમાભાઈ બાત્રી દ્વારા એકા એક પક્ષમાંથી રાજીનામું આપી દેતા પક્ષના કાર્યકરોમાં અંદરો અંદર અનેક ચર્ચાઓ શરૂ થવા પામી હતી. ત્યારે કોંગ્રેસ પ્રમુખ સોમાભાઈ બાત્રીએ રાજીનામું આપ્યા બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પર આક્ષેપ કર્યો છે જેને લઈને વલસાડ જિલ્લા કોંગ્રેસનું રાજકારણ વધુ ગરમાયું છે. ત્યારે સોમાભાઈ બાત્રીએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ સાંસદ પર એવો આક્ષેપ કર્યો છે કે તેઓ દ્વારા મનસ્વી રીતે વર્તન કરવામાં આવે છે. તેમજ પક્ષમાં જે નિર્ણય લેવામાં તેમાં પણ કોંગ્રેસના તાલુકા કક્ષાના પ્રમુખ તેમજ પક્ષ માટે વર્ષોથી નિષ્ઠાવાન થઈ સેવા કરનાર કાર્યકરોને કોઈ બાબતે જાણ નહી કરી મનસ્વી નિર્ણય લેતા આગામી સમયમાં કોંગ્રેસના અનેક આગેવાનો તેમજ કાર્યકરો રાજીનામું આપે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે.