લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, એપ્રીલ 2026 |
1881
શહેરના ઓઢવ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી માટે એક અત્યંત ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ છે. ઓઢવ વોર્ડમાં આવેલા ઇન્દિરા નગર વિસ્તારમાં, ખાસ કરીને શિવમ આવાસ અને ગાયત્રી આશ્રમ પાસે આયોજિત ભાજપના એક મહત્વપૂર્ણ મહાસંમેલનમાં સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના રાજકારણમાં ભારે ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, ઓઢવ વોર્ડમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ અને સ્થાનિક નાગરિકોને સંબોધવા માટે ભાજપના એસ.સી. મોરચા દ્વારા એક વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એસ.સી. મોરચાના અગ્રણી નેતા ડો. કિરીટ સોલંકી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કાર્યક્રમની તૈયારીઓ ઘણા સમયથી ચાલી રહી હતી અને તેમાં બુથ પ્રમુખો તેમજ સ્થાનિક આગેવાનોને પણ મોટી સંખ્યામાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. જાેકે, કાર્યક્રમ દરમિયાન વાતાવરણ ત્યારે તંગ બન્યું જ્યારે સ્થાનિક રહીશોએ અચાનક જ ભાજપના નેતાઓ સામે વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું. એસ.સી. મોરચા દ્વારા આયોજિત આ મહાસંમેલનમાં સ્થાનિકોએ પોતાની નારાજગી વ્યક્ત કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા. સભામાં જ્યારે ડો. કિરીટ સોલંકી અને અન્ય મહાનુભાવો મંચ પર બિરાજમાન હતા, ત્યારે જ લોકોએ વિરોધ દર્શાવતા નેતાઓ અસમંજસમાં મુકાઈ ગયા હતા. સ્થાનિકોના આ રોષ સામે ભાજપના સંગઠનના હોદ્દેદારો અને બુથ પ્રમુખોની હાજરી પણ ટૂંકી પડી હતી. વિરોધ એટલો પ્રબળ હતો કે કાર્યક્રમ આગળ વધારવો અશક્ય બની ગયો હતો. અંતે, પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં ડો. કિરીટ સોલંકી અને અન્ય આગેવાનોએ કાર્યક્રમ અધવચ્ચે જ છોડીને ત્યાંથી જતું રહેવું પડ્યું હતું. સ્થાનિકોના વિરોધના કારણે નેતાઓએ કાર્યક્રમ પડતો મૂકીને ભાગવું પડ્યું હોવાની આ ઘટના હાલ ટોક ઓફ ધ ટાઉન બની છે.