મુંબઇ  

'ઈતની શક્તિ હમેં દેના દાતા' (અંકુશ) જેવા ગીત લખનાર ગીતકાર અભિલાષનું મુંબઇમાં નિધન થયું હતું. રિપોર્ટ પ્રમાણે, આજે 28 સપ્ટેમ્બરના રોજ સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અભિલાષ લિવર કેન્સર સામે ઝઝૂમતા હતા અને છેલ્લાં 10 મહિનાથી પથારીમાં હતા. ડૉક્ટર્સે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું કહ્યું હતું પરંતુ આર્થિક તંગીને કારણે આ શક્ય બન્યું નહીં. બે દિવસ પહેલા જ મીડિયામાં અભિલાષની તબિયત અંગેની વાત સામે આવી હતી. ગીતકારની પત્ની નીરાએ ઈન્ડિયન પર્ફોર્મિંગ રાઈટ્સ સોસાયટી પાસે તાત્કાલિક પૈસાની મદદ માગી હતી.

રિપોર્ટમાં પરિવારના સૂત્રોથી કહેવામાં આવ્યું હતું કે પરિવારે અભિલાષની સારવાર પાછળ પૂરી બચત ખર્ચ કરી નાખી હતી. શરૂઆતમાં શુભેચ્છકોની મદદ મળતી હતી પરંતુ તેઓ પણ વધુ સમય ખર્ચ ઉઠાવી શક્યા નહીં, કારણ કે લિવર કેન્સરની સારવાર ઘણી જ મોંઘી હોય છે.

IMDBના લિસ્ટ પ્રમાણે, અભિલાષે 'રફ્તાર' (1975), 'ઝહરીલી' (1977), 'સાવન કો આને દો' (1979), 'લાલ ચૂડા' (1974), 'અંકુશ' (1986), 'હલચલ' (1995), 'મોક્ષ' (2013) જેવી ફિલ્મ માટે ગીતો લખ્યા હતા. આ ઉપરાંત 'જય જગન્નાથ' (2007)ના સંવાદો તથા 'જીતે હૈ શાન સે' (1988)ની એડિશન સ્ટોરી માટે તેમને ક્રેડિટ આપવામાં આવી હતી.