22, સપ્ટેમ્બર 2021
ગાંધીનગર-
રાજ્યમાં મા કાર્ડ યોજનાને ૯ વર્ષ પુર્ણ થયા હતા. ત્યારે આ યોજનાને વધુ આધુનિક અને સરળ બનાવવા માટે સરકારે મા કાર્ડ’ યોજનાને હવે પીએમ જે.એ.વાય યોજનામાં સમાવેશ કરવામાં આવી હોવાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત લાભાર્થીઓના પરીવાર દીઠ નહી પરંતુ વ્યક્તિ દીઠ ઓળખ કાર્ડ આપવામાં આવશે. હાલ રાજ્યમાં ૮૦ લાખથી વધુ પરિવારના લોકો ‘મા કાર્ડ’નો લાભ લઈ રહ્યા છે.જે અંતર્ગત લાભાર્થીઓને ૫ લાખ રૂપિયાનું આરોગ્ય કવચ આપવામાં આવે છે. ગુજરાતના આપને દ્વાર આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત ૮૦ લાખ પરિવારોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આવરી લેવામાં આવશે. જેમાં લોકોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવશે તેમજ આ અંગેનો મેગા ડ્રાઈવ રાજયમાં ગુરુવારથી શરૂ કરવામાં આવશે અને આગામી ત્રણ માસ સુધી ચાલશે. આ અંગે માહિતી આપતા રાજયના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સરકારનું લક્ષ્ય દરેક નાગરિકને આરોગ્ય સુવિધા પૂરી પાડવાનું છે.જેના પગલે આ મેગા ડ્રાઈવમાં ગ્રામ્ય સ્તરે, પીએચસી, સીએચસી, સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સામાન્ય અને ગરીબ તમામ વર્ગના લોકોને આ કાર્ડનો લાભ અપાશે. રાજ્યમાં ત્રણ માસ સુધી ચાલનારી આ ડ્રાઈવમાં લોકોને તેનો મહત્તમ લાભ લેવા માટે પણ તેમણે અપીલ કરી હતી. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે રાજયમાં મા કાર્ડને આયુષ્યમાન કાર્ડ જાેડે જાેડવામાં આવ્યું છે. તેમજ મા અને મા વાત્સલ કાર્ડને જાેડવામાં આવશે જેની ક્લબિંગની કામગીરી શરૂ થઈ ગઈ છે.