લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, મે 2026 |
1980
૫૦ લાખની બેંક રોબરી કરનારા યુવકો સીસી કેમેરામાં દેખાય એવા નવા નિશાળીયા નહીં પરંતુ કેટલા શાતિર છે એનો અનુભવ તપાસ દરમિયાન પોલીસને થઇ રહ્યો છે. આ યુવકોએ બોગસ આધારકાર્ડ બનાવી તેના આધારે રાંદેરનાં ઉગતમાં મકાન ભાડે લીધું અને લૂંટમાં વપરાયેલી ત્રણ પૈકી એક મોટર સાયકલ તેલંગાણાથી ખરીદી હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત એક બાઇક ભટાર વિસ્તારમાંથી ચોરી કરવામાં આવી હોવાનો ખુલાસો પણ થયો છે.
વરાછામાં લંબેહનુમાન રોડ ઉપર એફિલ ટાવરની બાજુમાં શક્તિ ટાવરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખા કાર્યરત છે. ૨૭મી એપ્રિલ, સોમવારે બપોરે એકથી બે વાગ્યા સુધી સશસ્ત્ર લૂંટારુઓએ બેંકને બાનમાં લીધી હતી. કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવી રોકડા ૫૦ લાખ લૂંટી સાત બદમાશો ફરાર થઇ ગયા હતાં. ભારે ચકચારી બનેલી બેન્ક રોબરીમાં પોલીસ ચકરાવે ચડી છે. સીસી કેમેરા આધારે કરાયેલી તપાસમાં એવું શોધી કાઢવામાં આવ્યું હતું કે, લૂંટારૂઓ રાંદેરમાં બોટનિકલ ગાર્ડન પાસે ઉગત ગામમાં આવેલા ભરવાડ વાસ પાસે રોકાયા હતાં. પોલીસે રૂમના માલિકની પૂછપરછ કરતાં એ યુવકોએ આધાર કાર્ડ સાથે એડવાન્સ ભાડું ચૂકવ્યું હોવાનું બહાર આવ્યું હતું. જો કે, લૂંટના દસ દિવસ પહેલા એટલે કે, ૧૭મી તારીખે જ તેઓ રૂમ ખાલી કરી જતા રહ્યા હોવાની વાત પણ તેણે જણાવી હતી. રૂમ ભાડે રાખવા માટે લૂટારૂઓએ આપેલા આધાર કાર્ડની તપાસ કરાતાં તે ફેક હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત લૂંટમાં વપરાયેલી ત્રણ મોટર સાયકલ કીમ નજીક કન્યાસી ગામના એક ખેતરમાંથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. આ મોટર સાયકલની પોલીસે તપાસ કરતાં ત્રણેયનાં ચેસીસ નંબર ભૂંસી નંખાયેલા જોવા મળ્યા હતાં. બે બાઇકનાં એન્જિન નંબર મળતાં પોલીસને થોડી રાહત થઇ હતી. એન્જિન નંબરનાં આધારે સગડ મળવાનો આશાવાદ સેવતી પોલીસને ફરી એક ઝટકો લાગ્યો હતો. બે પૈકી એક મોટર સાયકલ ખટોદરા પોલીસ મથકનાં ભટાર વિસ્તારમાંથી ચોરાયેલી હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે બીજી બાઇક તેલંગાણાની નીકળી હતી. જો કે, માલિકનો સંપર્ક કરાયો તો તેણે વેચી દીધાનું બહાર આવ્યું હતું. બાઇક ખરીદનારનો આધારકાર્ડ તેણે પોલીસને આપ્યો હતો. જો કે, રાકેશ નામનો આ આધારકાર્ડ પણ બોગસ નીકળ્યું હતું.
મોબાઇલ ટાવરથી મળેલાં ત્રણ મોબાઇલ નંબરનાં આધારે લૂટારૂઓની તલાશ
બેંક રોબરી કરનારા યુવકોએ રીઢા બદમાશોને પણ ટાપી જાય એવી ચોકસાઇ સાથે તેમણે આ રોબરીકાંડ કર્યો હતો. રોબરી દરમિયાન યુવકોએ કરેલી વાતચિતના આધારે તેઓ ઉત્તર પ્રદેશનાં વતની હોવાની શકયતાં પ્રાથમિક તપાસમાં બહાર આવી હતી. ત્યારબાદ પોલીસને લૂંટારૂઓ રોકાયા હતાં એ જગ્યા તથા ભાગ્યા એ રૂટ અંગે સીસી કેમેરાથી માહિતી મળી હતી. પોલીસે આ વિસ્તારોના મોબાઇલ ટાવરનાં ડેટા મેળવી ટેકનિકલ એનાલીસીસ કર્યું હતું. જેમાં ત્રણેક મોબાઇલ નંબર એવા મળ્યા કે જે લૂંટારૂઓની મૂવમેન્ટને મેચ કરતાં હતાં. આ ત્રણ નંબરને આધાર બનાવી પોલીસ આગળની તપાસ કરી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે.