પાટણના ધારાસભ્યે દરિયામાં વહી જતા નર્મદાના પાણીને સરસ્વતી નદીમાં છોડવા રજૂઆત કરી

ગાંધીનગર, પાટણના કોંગ્રેસનાં ધારાસભ્ય કિરીટ પટેલે નર્મદાનું પાણી સરસ્વતી નદીમાં છોડવાની મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. કોંગ્રેસનાં ધારાસભ્યની રજૂઆતના ગણતરીના કલાકોમાં મુખ્યમંત્રી દ્વારા નર્મદાનું પાણી ઉત્તર ગુજરાતના તળાવોમાં ભરવાનો ર્નિણય કરાયો છે.કોંગ્રેસનાં પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ સી. પટેલ દ્વારા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખીને નર્મદા ડેમમાંથી નદીમાં પાણી છોડવા પાણીને સૂઝલામ સુફલામ કેનાલ યોજના દ્વારા સરસ્વતી નદીમાં નાખવામાં આવે તેવી માંગણી કરી છે.પાટણના કોંગ્રેસનાં ધારાસભ્ય ડૉ. કિરીટ સી. પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે કે, ઉપરવાસમાં ભારે વરસાદને લીધે નર્મદા ડેમ ઓવરફ્લો થયેલ છે. જેના કારણે ૯ દરવાજા ખોલવામાં આવ્યા છે. ત્યારે આ દરવાજા ખોલવાથી ડેમનું પાણી દરિયામાં વહી જશે. તો નર્મદાના આ પાણીએ સુઝલામ સુફલામ કેનાલ યોજના દ્વારા સરસ્વતી નદીમાં નાખવામાં આવે તો ઉત્તર ગુજરાતના ખેડૂતોને ફાયદો થશે. તેમજ આ વિસ્તારના પાણીના તળ પણ ઊંચા આવશે.આ ઉપરાંત હાલમાં પવિત્ર શ્રાવણ માસ હોવાથી સરસ્વતી નદીમાં સ્નાન કરવાનો લોકો લાભ લઈ શકે અને આગામી તહેવારોમાં પવિત્ર અને પૌરાણિક મહત્વ ધરાવતી એવી સરસ્વતી નદીનું મહત્વ પણ સચવાઈ રહે. તો આ બાબતને ધ્યાનમાં રાખીને નર્મદા ડેમનું વધારાનું પાણી સરસ્વતી નદીમાં છોડવા માટેની સૂચના આપવામાં આવે માંગણી કરી હતી.પાટણના કોંગ્રેસનાં ધારાસભ્ય ડૉ. કિરીટ સી. પટેલે પત્ર લખ્યાના ગણતરીના કલાકોમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી પહોંચાડવા માટેનો એક મહત્વપૂર્ણ ર્નિણય કર્યો હતો. જેમાં નર્મદા બંધના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને પરિણામે સરદાર સરોવર બંધમાં પાણીની આવક વધી છે, તેમાંથી આ વધારાનું પાણી ઉત્તર ગુજરાતના તળાવોમાં પહોંચાડવામાં આવશે તેવો ર્નિણય લીધો છે.આ ર્નિણય અંતર્ગત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓના કુલ ૯૫૨ તળાવોને જુદીજુદી ૧૩ પાઈપલાઈનો મારફતે નર્મદાનું પાણી આપવાનું રાજ્ય સરકારે મુખ્યમંત્રીના દિશાદર્શનમાં આગોતરું આયોજન કર્યું છે. હાલ આ પાઈપ લાઈનો દ્વારા ૧ હજાર ક્યુસેક્સ પાણીનું ઉદવહન કરીને આ તળાવોમાં પહોંચાડવાની શરૂઆત કરાઇ છે, તે ક્રમશઃ વધારીને ૨૪૦૦ ક્યુસેક્સ પાણીનું ઉદવહન કરીને ઉત્તર ગુજરાતના આ તળાવોમાં આગામી દિવસોમાં પહોંચાડવામાં આવશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution