વડોદરા/સાવલી, તા. ૨૭

સાવલી તાલુકાના પસવા ગામે રહેતી અને પિયરમાં રહેતા યુવાન સાથે લગ્નેત્તર સંબંધો રાખતી યુવાન પરિણીતાએ તેના પ્રેમી સાથે ઘરસંસાર માંડવા માટે ધોળેદહાડે પોતાના સગા ૬ વર્ષના પુત્રની ગળે ટુંપો દઈને હત્યા કરી હતી. હત્યા બાદ આ બનાવને અકસ્માતમાં ખપાવવા માટે નિર્દયી માતાએ ગામના નાળા પર પુલ તરીકે ઉપયોગમાં લેવાતા વીજથાંભલાના પગથિયામાં ઉલ્ટી લટકાવી દેવા ચકચાર મચી છે. આ બનાવમાં સાવલી પોલીસે હત્યારી માતા અને તેના પ્રેમીની અટકાયત કરી હતી.

સાવલી તાલુકાના પસવા ગામમાં રહેતા અને ખાનગી કંપનીમાં ફરજ બજાવતા ૩૬ વર્ષીય મુકેશભાઈ ગોવિંદભાઈ પરમારનું ગત ૨૦૧૪માં પંચમહાલ જિલ્લાના હાલોલ સ્થિત ઢીંકવા ગામમાં રહેતી સુમિત્રા જીવણ બારિયા સાથે લગ્ન થયું હતું. લગ્નજીવન દરમિયાન સુમિત્રાએ એક પુત્ર ૬ વર્ષીય પ્રિન્સ અને ૩ વર્ષીય પુત્રી રીયાને જન્મ આપ્યો હતો. જાેકે બે સંતાનોની માતા હોવા છતાં સુમિત્રાને છેલ્લા એક વર્ષનતી તેના પિયર તરફના વેજલપુરવાળા કિશન મનહરલાલ રાવળ સાથે અનૈતિક સંબંધો હોઈ તે પતિ કે સંતાનોનું ધ્યાન રાખતી નહોંતી અને તેના પ્રેમી કિશનને મળવા વારંવાર પિયરમાં જતી હતી. હતો. આ સંબંધોની જાણ થતાં મુકેશ અને સુમિત્રા વચ્ચે વારંવાર ગૃહક્લેશ થતો હતો. ગત ૨૬મી તારીખે કિશન તેને મળવા માટે પસવા ગામે આવતા તેને ગ્રામજનોએ ઝડપી પાડ્યો હતો અને આ બાબતની જાણ થતાં સુમિત્રાના માતા-પિતા અને બનેવી પણ પસવા ગામે આવ્યા હતા અને તમામે સુમિત્રાને આડાસંબંધો નહી રાખવા સમજાવી હતી.

ગઈ કાલે સવારે મુકેશભાઈ નોકરીએ જતા જ સુમિત્રાએ તેના છ વર્ષના પુત્ર પ્રિન્સની ગળે ટુંપો દઈને હત્યા કરી હતી અને પુત્રની લાશને સાડીમાં ઓઢાડીને તે ઘર નજીક આવેલી ખાલી કેનાલ પર ગઈ હતી અને કેનાલ પર અવર-જવર કરવા માટે મુકેલા વીજકંપનીના થાંભલાના પગથિયમાં ઉલ્ટી લટકાવીને તે ઘરે આવી ગઈ હતી.

જાેકે તેને લાશને લઈ જતા ગ્રામજનોએ નજરે જાેતા તેની હત્યાનો ભાંડો ફુટ્યો હતો. આ બનાવની મુકેશભાઈએ પોતાના પુત્રની હત્યા કરનાર પત્ની સુમિત્રા અને તેના પ્રેમી કિશન સામે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ અલ્પેશ મહિડા સહિતના સ્ટાફે સુમિત્રા અને તેના પ્રેમી કિશનની અટકાયત કરી હતી.

સુમિત્રાએ કહ્યું ‘પુત્રીનેે પણ મારી નાખી પ્રેમી સાથે રહીશ

પુત્રની લાશ મળ્યા બાદ મુકેશે પુત્રની હત્યા કેવી રીતે થઈ તેવું પત્ની સુમિત્રાને પુછતા જ તેણે પુત્ર પ્રિન્સની હત્યાની કબૂલાત કરી જણાવ્યું હતું કે હજુ હું બીજી વધી છે તે છોકરીને પણ મારી નાખીશ અને કિશન સાથે જતીર રહીશ અને તેની સાથે ઘર બાંધીને રહીશ. આ કબૂલાતના પગલે હત્યાનો ભેદ ઉકેલાતા સાવલી પોલીસને જાણ કરાઈ હતી.